- 7 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ
- વટવા પોલીસે ગુનો નોંધ્યો
- આરોપીને લોકોએ માર્યો માર
શહેરના વટવા વિસ્તારમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાડોશમાં રહેતા યુવકે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરના વટવા વિસ્તારની છે જ્યાં બિહારથી મૃતક બાળકીનો પરિવાર અમદાવાદ આવ્યો હતો. મૃતક બાળકી પોલિયોની બીમારીથી પીડાતી હતી જેની સારવાર માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લલચાવીને તેના ઘરે બોલાવી હતી જ્યાં તેના પર બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કર્યા હતા. શારીરિક અડપલાં કરતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી જેથી ગભરાયેલા આરોપીએ બાળકી બૂમો ના પાડે તે માટે તેનું મોઢું અને ગળું દબાવ્યું હતું આ દરમ્યાન વધારે દબાણ આવતા બાળકીનો શ્વાસ રૂંધાઇ જવાથી તેનુ આરોપીના ઘરમાં જ મોત થઈ ગયું હતું.
ઘરમાં જ બાળકીનું મોત થઈ ગયા બાદ આરોપી ગભરાઈ ગયો હતો અને મૃતદેહનું શું કરવું તે વિચારતો હતો. જો કે આ દરમિયાન બાળકી પણ ઘરમાંથી બહાર રમવા ગઈ હોવાને 2-3 કલાક થઈ ગયા હોવાથી પરિવારજનો એ શોધખોળ શરૂ કરી હતી એ દરમિયાન બાળકી આરોપી ઉમાશંકર સહાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આરોપીના ઘરમાં મૃત બાળકીના કપડા વેર વિખેર હતા તેમજ તેના ગુપ્ત ભાગોમાં ઈજાઓ થયેલી હતી જેને લઇને સ્થાનિકોએ આરોપીની ધોલાઈ કરી હતી. હાલ ઇજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આરોપીની સારવાર બાદ વટવા પોલીસ તેની ધરપકડ કરશે.
આરોપી ઉમાશંકર પણ મૂળ બિહારનો છે જે કામકાજની શોધમાં 15 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો જેણે આ કૃત્ય આચર્યું હતું. હાલ તો વટવા પોલીસે મૃતક પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોકસો એક્ટની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે એવી જાણકારી હાલ સામે આવી છે.


