મૃતકનો પતિ શંકાના દાયરામાં : દંપતી વચ્ચે સવારે કોઇ મુદ્દે માથાકુટ થઇ હતી
રાજકોટમાં જાણે હત્યારાઓ બેફામ બન્યા એમ અવારનવાર હત્યારાઓ હત્યાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાની ઘટના બની છે જેમાં મહિલાને કાતરના ઘા ઝીંકી બેરહેમીથી રહેંસી નાખવામાં આવી હતી. જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાછળના શિવસાગર પાર્કમાં એક મહિલાની લાશ તેના જ ઘરમાંથી મળી આવતા પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાંકી તેની સઘન પુછપરછ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઇ વરૂ (ઉ.વ.3પ)ની લોહીથી લથબથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે તેમજ ક્રાઇમ બ્રાંચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મહિલાની લાશની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હેમાલીબેન અને તેનો પતિ અલ્પેશ વરૂ અલગ-અલગ કારખાનામાં કામ કરે છે. આ દંપતીને સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. અલ્પેશના માતા તેમની સાથે રહેતા હતા પરંતુ કેશોદમાં કોઇ સંબંધીનું મૃત્યુ થતાં બુધવારે વહેલી સવારે અલ્પેશની માતા કેશોદ જવા નીકળ્યા હતા અને આ દંપતી તેમને બસ સ્ટેશન સુધી મુકવા ગયું હતું. અલ્પેશ વરૂએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે રાત્રે આઠેક વાગ્યે પોતે પોતાની પુત્રી સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની હેમાલીની હત્યા કરાયેલી લાશ જોવા મળી હતી. તેમજ ઘરનો સામાન વેરવિખેર હતો. પોલીસને અલ્પેશની વાત શંકાસ્પદ લાગતા તેને ઉઠાવી લઇ તેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસને ખાનગી રાહે તેવી પણ માહિતી મળી હતી કે હેમાલી અને તેના પતિ અલ્પેશ વચ્ચે સવારે કોઇ મુદ્દે માથાકુટ થઇ હતી. હેમાલીની હત્યામાં તેના પતિની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. જો કે પોલીસે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.