– સેન્સેક્સ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીનો દિવસ શુક્રવાર કાયમ રહેશે
Updated: Oct 14th, 2023
મુંબઈ : ડેરિવેટીવ્ઝમાં ટ્રેડીંગ વોલ્યુમમાં એનએસઈથી ઘણું પાછળ બીએસઈ પોતાના ટ્રેડીંગ વોલ્યુમમાં મોટો વધારો થાય એ માટેના સતત પ્રયાસો કરતું આવ્યું છે. હવે બીએસઈ દ્વારા તેના બેંકેક્સ ફયુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનો એક્સપાયરી દિવસ ૧૬, ઓકટોબરથી શુક્રવારના બદલે સોમવાર કરવામાં આવશે. એક્સચેન્જ દ્વારા ઓગસ્ટમાં જ આ બદલાવ માટેનો નિર્ણય લેવાયો હતો. જ્યારે સેન્સેક્સ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરી-પતાવટનો દિવસ શુક્રવાર કાયમ રહેશે.
બીએસઈ દ્વારા નોટીસમાં અગાઉ જણાવાયું હતું કે, એસ એન્ડ પી બીએસઈ બેંકેક્સના સોમવારની એક્સપાયરીના નવા કોન્ટ્રેક્ટ્સ ૧૩, ઓકટોબર ૨૦૨૩ના દિવસના અંત સાથે નિર્મિત થઈ અને ૧૬, ઓકટોબર ૨૦૨૩થી ટ્રેડીંગ માટે આ કોન્ટ્રેક્ટસ ઉપલબ્ધ થશે. આ નિર્ણય બજારના અભિપ્રાય-ફીડબેકના આધાર પર લેવાયો છે.
આ ફેરફાર મુજબ એસ એન્ડ પી બેંકેક્સના તમામ વર્તમાન કોન્ટ્રેક્ટસ જે શુક્રવારની એક્સપાયરી ધરાવતા હતા એ ૧૩,ઓકટોબર ૨૦૨૩ના અંતે એક્સપાયર થયા છે અને ૧૬, ઓકટોબર ૨૦૨૩થી ટ્રેડીંગ માટે આ જૂના કોન્ટ્રેક્ટસ ઉપલબ્ધ રહેશે નહીં.
ડેરિવેટીવ્ઝમાં અગ્રણી એનએસઈથી પોતે અલગ ઊભરી આવવા બીએસઈ દ્વારા સેન્સેક્સ અને બેંકેક્સ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સને ફરી રજૂ કરીને એક્સપાયરી-પતાવટનો દિવસ શુક્રવાર પસંદ કરાયો હતો. આ ફેરફારો સાથે ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો થવાની અપેક્ષા છે.
એનએસઈનો નિફટી ૫૦ જે તમામ ડેરિવેટીવ્ઝ ઈન્ડાઈસીસમાં સૌથી વધુ ટ્રેડ થાય છે, તેની એક્સપાયરી ગુરૂવારની રહે છે. જ્યારે બીજો પ્રચલિત કોન્ટ્રેક્ટ બેંક નિફટીની એક્સપાયરી-પતાવટ દિવસ હવે બુધવાર છે, સપ્ટેમ્બર પૂર્વે એની એક્સપાયરી ગુરૂવાર હતી.
આ દરમિયાન નિફટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ(ફિન નિફટી) ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસની એક્સપાયરી મંગળવારની છે. એનએસઈ દ્વારા અગાઉ બેંક નિફટીની એક્સપાયરી શુક્રવાર કરવાની યોજના હતી, પરંતુ એ યોજનાને ત્યાર બાદ પડતી મૂકાઈ હતી.
જુલાઈમાં એનએસઈના એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સરેરાશ દ:નિક ટર્નઓવર રૂ.૩૦૩ લાખ કરોડ રહ્યું હતું. જેમાં માસિક ધોરણે ૧૭ ટકાની વૃદ્વિ થઈ હતી. જ્યારે બીએસઈનું ડેરિવેટીવ્ઝમાં સરેરાશ દ:નિક ટર્નઓવર રૂ.૪.૪ લાખ કરોડ રહ્યું છે. જે પાછલા મહિનાની સરખામણીએ ૪.૪ ગણું વધુ નોંધાયું હતું.