- છત્તીસગઢમાં યોજાવા જઈ રહી છે વિધાનસભા ચૂંટણી
- 7 નવેમ્બરે 20 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન
- સર્ચ ઓપરેશન શરૂ કરતા પૂર્વે બન્યો બનાવ
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ચૂંટણી ફરજ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં જવાનનું રવિવારે પોતાની સાથે રાખેલા ગ્રેનેડના અકસ્માતે વિસ્ફોટને કારણે મોત થયું હતું. વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. સૈનિકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
નક્સલ પ્રભાવિત વિસ્તાર છે દંતેવાડા
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 નવેમ્બરે 20 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. દંતેવાડા જિલ્લામાં પણ પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગના 12 મતવિસ્તારોમાંથી એક દંતેવાડા વિધાનસભા ક્ષેત્રમાં વધારાના અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
પેકેટમાં રાખેલો હેન્ડ ગ્રેનેડ ફાટ્યો
રવિવારે ચૂંટણી ડ્યુટી માટે કાટેકલ્યાણ પોલીસ સ્ટેશનમાં તૈનાત બીએસએફની 70મી બટાલિયનની ટીમ સર્ચ ઓપરેશન શરૂ કરવાની હતી. પેટ્રોલિંગ ટીમ પોલીસ સ્ટેશન પરિસરની બહાર જઈ રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ બલબીર ચંદના પેકેટમાં રહેલો એક હેન્ડ ગ્રેનેડ અચાનક ફાટ્યો હતો.
બીએસએફ જવાન બલબીરે ગુમાવ્યો જીવ
આ ઘટનામાં જવાન બલબીર ચંદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક દંતેવાડા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ડોક્ટરોએ બલબીરને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બીએસએફ જવાન બલબીર ચંદ હિમાચલ પ્રદેશનાં રહેવાસી હતાં. તેમના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે બલબીરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.