- ધારાસભ્યો તો ઠીક પણ મંત્રીઓની હાલત પણ દયનીય !
- ધૂંધવાયેલા મંત્રીઓએ આદિજાતિ યોજનાની ફાઈલ દિલ્હીથી પરત મંગાવી
- સનદી અધિકારીઓ મંત્રીઓને પણ ગાંઠતા ન હોવા જેવી સ્થિતિ સામે આવી છે
કેન્દ્ર સરકાર દ્વારા આદિજાતિ ક્ષેત્ર માટે કલમ 275-એ અંતર્ગત રાજ્યોને નાણાંકીય ફાળવણી કરાતી હોય છે, ગુજરાત માટેની વિવિધ યોજનાને લગતી ફાઈલ આદિજાતિ વિભાગના અધિકારીએ મંત્રીઓ સાથે પરામર્શ વિના બારોબાર કેન્દ્ર સરકારને સુપરત કરી હતી, અલબત્ત, આ બાબતની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ કેન્દ્રમાંથી ફાઈલ પરત મગાવી હતી અને જરૂરી સૂચનો ઉમેર્યા બાદ આ ફાઈલને દિલ્હી પરત મોકલી હતી. આ વાતનો સ્વર્ણિમ સંકુલમાં જોરશોરથી ગણગણાટ છે. એક રીતે સનદી અધિકારીઓ મંત્રીઓને પણ ગાંઠતા ન હોવા જેવી સ્થિતિ સામે આવી છે.
સૂત્રો કહે છે કે, આદિજાતિ ક્ષેત્રે વિકાસ કામો માટે રાજ્ય સરકારને 90 કરોડથી વધુ રકમની ફાળવણી થાય તેવી શક્યતા છે. આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટે, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી યુવાનોને તાલીમબદ્ધ કરવા જેવી યોજના સામેલ છે. આ ઉપરાંત પશુ પાલન અને ડેરી વ્યવસાય ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ, મોડેલ એકલવ્ય સ્કૂલ જેવી બાબતો પણ સામેલ છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના એક અધિકારીએ કેન્દ્ર સરકારમાં બારોબાર દરખાસ્ત રવાના કરી દીધી હતી, જેની જાણ થતાં સરકારના બે મંત્રીઓ બરોબરના અકળાયા હતા, એ પછી મંત્રીઓએ કેન્દ્ર સરકારમાંથી ફાઈલ પરત મગાવી, જરૂરી સૂચનો બાદ નવેસરથી ફાઈલ દિલ્હી મોકલી હોવાનું આદિજાતિ વિકાસ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, અધિકારીઓ ધારાસભ્યો તો ઠીક પણ કેટલાક મંત્રીઓને પણ ગાંઠતા ન હોવાની સ્થિતિ છે. સરકારી બાબુઓ ધારાસભ્યોના ફોન રિસીવ કરતાં ન હોવાનો વિવાદ અગાઉ પણ ખૂબ ચગ્યો હતો.


