- ગતવર્ષના બજેટમાં 50 ટકા રકમ જમીન વેચીને ઉભી કરવાનું લક્ષ્યાંક હતું
- ગાંધીનગર મહાનગરપાલિકા બાદ ગુડામાં પણ બજેટને લઇને તૈયારી
- આવક આપતા ગામડા મનપામાં ભળ્યા બાદ ગુડાની આર્થિક સ્થિતી કથળી
ગાંધીનગર મહાનગરપાલિકા બાદ ગુડામાં પણ બજેટને લઇને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. જોકે, ગત વર્ષની માફક આ વર્ષે પણ ગુડાને મુખ્ય આવકનું સાધન કિંમતી જમીન બની રહેશે. આ જમીન વેચીને ગુડા આવકનો સ્ત્રોત ઉભો કરશે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ગુડાનું 600 કરોડનું બજેટ હતું. તેમાંથી 300 કરોડ એટલેકે,કુલ બજેટના 50 ટકા રકમ જમીન વેચીને ઉભા કરવાનું આયોજન કરાયુ હતું. આ વખતે પણ ગુડા પાસે આવકનો અન્ય કોઇ મહત્વનો વિકલ્પ જોવા મળતો નથી. બીજીતરફ આવક રળી આપતા મહત્વના ગામો મનપામાં ભળતા ગુડાની આર્થિક સ્થિતી પણ ત્યારથી નબળી પડી છે.
ગુડા પાસે અગાઉ દુઝણી ગાય સમાન વિસ્તારો હતા. પરંતુ સરકાર દ્વારા મનપાની હદનું વિસ્તરણ કરવામાં આવ્યુ હતું. જેના કારણે ગુડામાં સમાવિષ્ટ રાયસણ, કુડાસણ જેવા ધીંગી આવક આપતા 18 જેટલા ગામો અને પેથાપુર નગરપાલિકાનો મનપામાં સમાવેશ કરાયો હતો. આ નિર્ણયથી ગુડામાં મોટાભાગનું કામ છીનવાઇ ગયુ હતું. ગુડાની ન્હોર વગરના વાઘ જેવી હાલત થઇ હતી. આવકનું મહત્વનું સાધન ગુમાવી દેતા અને બીજીતરફ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેટલી સત્તામંડળોને ગ્રાંટ આપવામાં આવતી નહી હોવાથી ગુડા માટે આવકના સ્ત્રોત લગભગ બંધ થઇ ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું.ગત વર્ષે ગુડાના બજેટનું કદ 600 કરોડનું હતું. જેમાંથી 300 કરોડ તો ગુડાએ ટીપીના આયોજન માટે મળતી કપાતની જમીનના વાણિજ્ય અને રહેણાંક પ્લોટનું વેચાણ કરવાથી મેળવવામાં આવશે તેમ દર્શાવાયુ હતું. આ વખતે ગુડા મનપાના હદ વિસ્તરણ બાદ આ બીજુ બજેટ તૈયાર કરવા જઇ રહ્યુ છે ત્યારે તેમાં બજેટમાં દર્શાવેલા કામો માટે નાણાનો એકમાત્ર મુખ્ય સ્ત્રોત જમીન વેચાણનો જ રહેશે.


