રકમ ભરવાની સાત દિવસની મુદ્દતની નોટીસ આપી તેની મુદ્દત બે સપ્તાહ પહેલા પૂરી છતાં કોઇ કાર્યવાહી નહીં
રાજકોટના સૌથી પ્રાઇમ લોકેશનો પૈકીના એક દોઢસો ફૂટ રીંગરોડ પર નાનામવા સર્કલ ખાતે કોર્નર પરના ૯૪3૮ ચોરસમીટરના વિશાળ પ્લોટમાં મનપાની શંકાસ્પદ નીતિ-રીતિથી કરોડો રૂપિયા ફસાઇ ગયા છે. આ પ્લોટ હરાજીથી વેચવા માટે ૨૦૨૧માં કાર્યવાહી થઇ તેમાં એક પાર્ટીએ રૂ.૧,૨૫,૨૦૦ પ્રતિ ચોરસમીટરના ભાવ ભરીને રૂ.૧૧૮.૧૬ કરોડમાં જમીન ખરીદાવ બોલી બોલતા તે ભાવે જમીન આપવા મનપાએ ઠરાવ કર્યો હતો. જમીનની આ રકમ 3૦ દિવસમાં ભરપાઇ કરવાની શરત હતી. પરંતુ પાર્ટી દ્વારા 3૦ મહિના કરતા વધુ સમયમાં પણ આ રકમ ભરપાઇ નહી કરવા છતાં હજુ ટીપી શાખાએ તે હરાજી રદ કરવાને બદલે કાગળ પર તક ઉપર તક આપીને સમય પસાર કરતા ઇરાદામાં શંકા જન્મી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આશરે ત્રણ વર્ષમાં આ સ્થળે જમીનના ભાવમાં વધારો થયો છે. જે તે સમયે પણ ભાવ ઊંચા હતા. પરંતુ ઓછા ભાવે જમીન આપ્યાનો વિવાદ થયો હતો. આજે આ જમીનના ભાવ રૂ.૧૮૦ થી ૨૦૦ કરોડ મનાય છે. આ સ્થિતિમાં મનપાએ નિયમોનુસાર જમીન હરાજી રદ કરીને ફરી હરાજી કરીને પ્રજાની જમીનના પુરતા નાણા પ્રજાની તિજોરીમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા નથી.
ગંભીર વાત એ છે કે છેલ્લે ગત તા.૧૭-૧-૨૦૨૪ના વધુ એક વાર ટેસ્ટ ઝોન ઓફીસના આસી.ટાઉન પ્લાનર દ્વારા આ પાર્ટીને નોટીસ આપીને બાકી રહેતી ૯૦ ટકા રકમ એટલે કે રૂ.૧૦૧, 3૪, ૭3, ૮૪૦ દિવસ-૭માં ભરપાઇ કરવા તાકીદ કરાઇ હતી. અને તેમ ન થાય તો જમીનની જરૂરીયાત નથી તેમ ગણીને હરાજીથી મળેલ પ્લોટ રદ કરીને ભરપાઇ થયેલ રકમ જપ્ત કરાશે તેમ જણાવાયફુ હતું. આ એક સપ્તાહની મુદત પણ ૨ સપ્તાહ પહેલા પૂરી થઇ ગઇ છે. છતાં ટીપી વિભાગે પગલા લીધા નથી.
એટલુ જ નહી આ પહેલા પાર્ટી દ્વારા તા.૨-૯-૨૦૨3ના રકમ નહી ભરવા બદલ જે પ્રત્યુતર અપાયો હતો તે પણ નિયમોનુસાર ટીપી શાખામાં માન્ય રહ્યો નથી. આ સ્થિતિમાં મ્યુનિ. કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેન સહિત સત્તાધીશોએ આ પ્લોટના નાણા અને તે પણ બજારભાવ મુજબ મનપાની તિજોરીમાં જમા થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. પરંતુ ત્રણ વર્ષ જેવો લાંબો સમય વીતવા છતાં તેમ થયુ નથી. ત્યારે બંધબારણે વહિવટ થઇ રહ્યાની શંકા પણ જન્મી છે.