- રાજીવ મોદી કાંડમાં પોલીસને બચાવવા સરકારે HCમાં પીડિત યુવતીના ‘જુઠ્ઠાણાં’ રજૂ કર્યાં
- પીડિતા તો ભારતમાં જ છે પણ આખા કાંડના સૂત્રધાર રાજીવ મોદી ક્યાં?: યુવતીના વકીલ
- પોલીસે ખુદ પીડિતાના પાંચથી સાત વખત નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી
અમદાવાદની જાણીતી ફર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીની સુનાવણીમાં આજે રાજય સરકાર તરફ્થી બહુ ચોંકાવનારો ઘટસ્ફોટ અદાલત સમક્ષ કરવામાં આવ્યો હતો કે, અરજદાર યુવતીએ રૂ.24 લાખ લઇ પ્રતિવાદી સાથે સમાધાન કર્યું હતું. પોલીસે ખુદ પીડિતાના પાંચથી સાત વખત નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી છે ત્યારે પોલીસ વિરુધ્ધના આક્ષેપો બેબુનિયાદ અને વાહિયાત છે. સરકારે ખુદ અરજદાર યુવતી અને તેના વલણ સામે જ બહુ ગંભીર પ્રશ્નાર્થ અને શંકા ઉઠાવતાં કેસમાં નવો જ વળાંક આવ્યો છે. હાઇકોર્ટે અરજદારપક્ષને સમગ્ર કેસનો ઘટનાક્રમ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.15મી ડિસેમ્બર પર મુકરર કરી હતી.
એક તબક્કે જ્યારે સરકારી વકીલે પીડિત યુવતી ભારત છોડી ગઈ હોવાનો દાવો કર્યો ત્યારે બલ્ગેરિયન યુવતીના વકીલે એવો સોંસરવો સવાલ સરકારી વકીલને કર્યો હતો કે, પીડિતા તો ભારતમાં જ છે, પરંતુ આખા કેસનું મુખ્ય પાત્ર કેડિલાવાળા રાજીવ મોદી ક્યાં છે, તે વિષે કેમ પોલીસ કે સરકાર કોઈ સ્પષ્ટતા નથી કરતું?
અગાઉ બલ્ગેરિયન યુવતી તરફ્થી કરાયેલી રિટ અરજીનો આજે વિરોધ કરતાં રાજય સરકાર તરફ્થી બહુ જ મહત્ત્વની દલીલો કરાઇ હતી, જેમાં જણાવ્યું હતું કે, અરજદાર યુવતીએ સૌપ્રથમ તા.9મી એપ્રિલ શહેર પોલીસ કમિશનરને પ્રતિવાદી સાથેની નોકરી બાબતની તકરાર અને બાકી નીકળતા પૈસા અંગે રજૂઆત કરી હતી, પરંતુ તેમાં પ્રતિવાદી વિરૂધ્ધ જાતીય સતામણી કે દુષ્કર્મ સહિતના કોઇ આક્ષેપો કરાયા ન હતા. એ પછી યુવતીને પ્રતિવાદી તરફ્થી તેની નોકરીના પગાર અને બાકી પૈસાની તકરાર અનુસંધાનમાં રૂ.24 લાખ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફ્તે ચૂકવાયા હતા. જે અંગે ખુદ અરજદાર યુવતીએ પોલીસ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતુ અને સમાધાનની વાત તેણીના સ્વહસ્તાક્ષરમાં લખી તેમાં સહી કરી હતી. હવે પાછળથી આ પ્રકારના આક્ષેપો ખાસ કરીને પોલીસ પર મૂકાયેલા આરોપ શંકા જન્માવે છે. સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, પ્રસ્તુત કેસમાં યુવતીની રિટ અરજી ટકી શકે તેમ જ નથી કારણ કે, નીચલી કોર્ટે તેની ફરિયાદ દાખલ કરવા અંગેની અરજી નામંજૂર કરી છે, તેની સામે તેણીએ વાસ્તવમાં કાયદાકીય જોગવાઇ મુજબ, રિવીઝન અરજી કરવી પડે પરંતુ તેમ કર્યુ નથી.
ડિજિટલ પુરાવાની તપાસ થાય તો સત્ય બહાર આવશે
અરજદાર યુવતીના વકીલ તરફ્થી એવી દલીલ રજૂ કરાઇ હતી કે, તેણીએ અગાઉ નીચલી કોર્ટમાં અરજી કરી ત્યારે અગાઉના વકીલની ખોટી સલાહના કારણ કેસમાં 202ની ઇન્કવાયરી માંગી હતી પરંતુ તેઓ એપીઅર થયા બાદ કેસમાં 156(3) હેઠળ તપાસની માંગ કરી ફરિયાદ દાખલ કરવા અરજ કરાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં મહિલા પોલીસ મથકમાં સીસીટીવી ફૂટેજીસ સહિતના ડિજિટલ પુરાવાના સાચવી રખાય તે જરૂરી છે અને તેની તપાસ થાય તો કેસમાં સત્ય હકીકત સામે આવે તેમ છે. પ્રતિવાદી રાજીવ મોદી દ્વારા માત્ર તેણીને જ જાતીય સતામણીનો ભોગ નથી બનાવી પરંતુ તેના જેવી ઘણી છોકરીઓ તેના શિકારનો ભોગ બની છે ત્યારે હાઇકોર્ટે આ કેસમાં દરમ્યાનગીરી કરવી જોઇએ.


