- વાહનચાલકો, સ્થાનિકોને અવર જવર કરવામાં મુશ્કેલી
- દબાણકાર વેપારી ‘અધિકારીઓને હું મારા ખિસ્સામાં રાખું છું’
- કાટમાળનો વેપારી લોકોને ગાંઠતા ન હોવાની લોકોમાં ચર્ચા
ઈડર-ભિલોડા રોડ પર બડોલી ગ્રામ પંચાયતની હદમાં આવેલા સર્વે નં.391ના માલિક દ્વારા જમીનને બિનખેતી કરાયા બાદ કેટલાક પ્લોટ પાડવામાં આવ્યા હતા. જયાં છેલ્લા કેટલાક સમયથી દુકાનદારોએ હદ મર્યાદા છોડીને હાઈવેની માર્જીનની જગ્યાએ દબાણ કર્યા છે જે પૈકી કાટમાળનો વ્યવસાય કરતા એક વેપારીએ કાયદાની ઐસીતૈસી કરીને પોતાનો પથારો એટલો બધો વધારી દીધો છે કે તેના લીધે રાહદારીઓ અને સ્થાનિક લોકોને અવર જવર કરવામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તેમ છતાં સંલગ્ન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બડોલી ગ્રામ પંચાયતની હદમાં જે જમીન બિનખેતીલાયક કરાઈ હતી ત્યાં પ્લોટ પાડીને આગળની જગ્યાએ દુકાનો બનાવાઈ છે. જે પૈકી એક દુકાન કાટમાળનો વ્યવસાય કરતા વેપારીએ રાખ્યા બાદ તેણે નિયમોને નેવે મુકીને કાટમાળ હાઈવેની જમીન સુધી મુકી દીધો છે અને સ્થાનિક તંત્ર અથવા તો સંલગ્ન વિભાગની ઐસીતૈસી કરીને આમ પ્રજાને એવુ કહે છે કે તમારાથી થાય તે કરી લેજો.
તો બીજી તરફ રોડની સાઈડમાં કાટમાળના ઢગલા કરી દેવામાં આવ્યા છે અને કોઈ કહે તો તેને હટાવવામાં આવતા ન હોવાનું સ્થાનિક રહીશોનું કહેવુ છે. કોમનપ્લોટ પણ કબ્જો જમાવી દીધો છે કોઈ કહે તો કહે છે કે અધિકારીઓને હું મારા ખિસ્સામાં રાખુ છે.
આ અંગે ગામના જય પંકજભાઈ પટેલે બડોલી ગ્રામ પંચાયત, ઈડર પ્રાંત અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં આ વેપારીને ગમે તે કારણસર છાવરમાં આવે છે તેવી છાપ પ્રજામાં ઉપસી છે. તો બીજી તરફ બડોલી પંચાયતના તલાટી વિપુલભાઈ કાપડીયાનું કહેવુ છે કે આ બાબતે ગ્રામ પંચાયતને અરજી મળી છે. અને તેના માટે સભ્યો સાથે ચર્ચા કરાયા બાદ રોડની હદમર્યાદા નક્કી કરાશે અને જરૂર પડે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ.


