- 2017-18 પછી પ્રથમ વખત વાહનોનું વેચાણ ત્રણ લાખને પાર
- ગત વર્ષની તહેવારોની સિઝનની સરખામણીએ 37.56 ટકાનો વધારો નોંધાયો
- વર્ક ફ્રોમ હોમ હતું તે પણ બંધ થતા ટુ વ્હીલરનું વેચાણ 50 ટકાને આંબી ગયું
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન તહેવારોના 42 દિવસમાં થયેલા વાહન વેચાણના આંકડા જાહેર કર્યા છે. ગુજરાતમાં ગત વર્ષની તહેવારોની સિઝન કરતા આ વર્ષે 88,283 વાહનોનું વધુ વેચાણ થયું છે. આ વર્ષે 3,23,322 વાહનોનું વેચાણ થયું છે. જે ગત વર્ષે 2,35,039 વાહનોનું વેચાણ હતું. 2017-2018ના વર્ષ પછી પહેલી વખત વાહનોનું વેચાણ 3 લાખને પાર થયું છે.
રાજ્યમાં કોરોનાની અસરના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી ઓટોમોબાઈલ ઉદ્યોગ દબાયેલી સ્થિતિમાં હતો. પરંતુ કોરોનાની વિદાય બાદ એટલે કે 2017-18ના વર્ષ પછી પહેલી વખત વાહનોનું વેચાણ 3 લાખને પાર થયું છે. આ વર્ષે કર્મચારીઓને બોનસ પણ સારું મળ્યું છે. વર્ક ફ્રોમ હોમ હતું તે પણ બંધ થતા ટુ વ્હીલરનું વેચાણ 50 ટકાને આંબી ગયું છે. બે થી ત્રણ શોર્ટફોલ હતો તે હવે પુરો થયો છે તેમ ફાડાના પૂર્વ ચેરમેન પ્રણવ શાહે વિશ્લેષણ કરતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કારના વેચાણમાં 29.06 ટકાનો વધારો નોંધાયો છે. કેમ કે અગાઉના વર્ષોમાં કારની ડિલિવરીમાં સપ્લાયના પ્રશ્નો હતો તે હવે દૂર થતા કારનું વેચાણ પણ સારું થયું છે. 2022 અને 2023ની તહેવારોની સિઝનની સરખામણી કરતા આ વર્ષે 76,970 ટુ વ્હીલર, 3,106 થ્રી વ્હીલર, 1,817 કોમર્શિયલ વ્હીકલ, 12,292 કારનું વધુ વેચાણ થયું છે. 42 દિવસની તહેવારોની સિઝન પહેલા નોરતાથી એટલે કે 15 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ગણવામાં આવી છે.


