કર્ણાટકના બેલાગવીમાં સન્ના બાલેકુન્દ્રી નજીક કન્નડ બોલવા બદલ KSRTC બસ કંડક્ટર પર હુમલો થયા બાદ કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર તણાવ વધી ગયો છે. જેના પરિણામે બંને રાજ્યો વચ્ચે બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. કોલ્હાપુર સહિતના કેટલાક વિસ્તારોમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ કર્ણાટકની બસો રોકી અને વિરોધ પ્રદર્શન કર્યું છે.
કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર જતી બધી બસ સેવાઓ સ્થગિત કરી
વિરોધીઓએ બસો પર ભગવા ધ્વજ બાંધ્યા હોવાનો આરોપ છે અને કાળી શાહીથી ‘જય મહારાષ્ટ્ર’ લખ્યું હતું. આ ઘટનાઓને કારણે કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર જતી બધી બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે. પરિવહન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે નિપ્પાની, ચિક્કોડી અને બેલાગવી થઈને કોલ્હાપુર જતી બધી KSRTC બસો બંધ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે દરરોજ 120 બસ દોડે છે
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે બંને રાજ્યો વચ્ચે દરરોજ 120 બસ દોડે છે. પરિસ્થિતિના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહારાષ્ટ્રથી કર્ણાટક જતી બસો પણ સ્થગિત કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે લગભગ 9:10 વાગ્યે ચિત્રદુર્ગમાં કન્નડ સમર્થક કાર્યકરોએ બેંગલુરુથી મુંબઈ જતી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની બસ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.
મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો વારો
કન્નડ સમર્થક કાર્યકરોએ બસ ડ્રાઈવરને માર માર્યો અને તેના ચહેરા પર કાળી શાહી લગાવી દીધી. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંનેની સરકારોએ આવી ઘટનાઓ પર એકબીજા પાસેથી સ્પષ્ટતા માગી છે અને કહ્યું છે કે સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બસ સેવાઓ સ્થગિત રહેશે. બસ સેવાઓ સ્થગિત થવાને કારણે બંને રાજ્યોના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બસો ફક્ત કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ સુધી જ દોડી રહી છે
હાલમાં, બસો ફક્ત કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ સુધી જ દોડી રહી છે, જેના કારણે મુસાફરોને તેમના સંબંધિત રાજ્યોમાંથી આગળની બસ પકડવાની ફરજ પડે છે. જનતા બંને રાજ્યોની સરકારોને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને ઝડપથી ઉકેલ લાવવા વિનંતી કરી રહી છે. KSRTC બસ કંડક્ટર પર થયેલા હુમલાના સંબંધમાં એક સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે બસ ડ્રાઈવરે મરીહાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.