2025 બાદ 2026ના વર્ષે પણ આઈપીઓ માટે યાદગાર બનવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી વર્ષે રિલાયન્સ જિયો, એનએસઈ, ફોનપે, ફ્લિપકાર્ટ, ઓયો અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આઈપીઓ લાવવા માટે તૈયારી કરી લીધી છે. જેઓ આઈપીઓ મારફત સંયુક્ત રીતે 20 અબજ ડોલર એકઠા કરશે. જીયો ભારતીય ઈતિહાસમાં સૌથી મોટા આઈપીઓ પૈકીનો એક બને તેવી શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષથી આઈપીઓ ક્ષેત્રે તેજી બનેલી છે. મજબૂત પ્રાદેશિક ભાગીદારી અને શેરબજારના અનિશ્ચિત વલણ વચ્ચે પ્રમોટર્સ, પીઈ ઈન્વેસ્ટર્સ લિસ્ટિંગમાં વધારો કરી રહ્યાં છે.
આગામી આઈપીઓ પાઈપલાઈનની ઊંડાઈ અને વ્યાપ સાથે વિવિધ કંપનીઓ બજારમાં પદાર્પણ કરશે. જેમાં ભારતની કેટલીક સૌથી પ્રભાવશાળી, ટેકનિકલ અને નાણાં કંપનીઓ પણ સામેલ છે. ભારતનું કેપિટલ માર્કેટ પહેલાથી જ માઈલસ્ટોન પાર કરી ચૂક્યું છે. આ વધેલા મૂડી એકત્રીકરણ પાછળનું એક કારણ એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ આઈપીઓ કદ રૂ.1,605 કરોડ રહ્યું છે. જે 2000-2020 વચ્ચે રૂ.692 કરોડ હતું. જેનો અર્થ એ છે કે, મોટી કંપનીઓ હવે મોટા કદના ભરણાં સાથે બજારમાં આવી રહી છે અને નોંધપાત્ર રીતે વધુ મૂડી એકઠી કરી રહી છે. ભારતના બજારોના વિસ્તરણથી પ્રમોટરો અને ખાનગી ઈક્વિટી રોકાણકારો વધુ કાર્યક્ષમ રીતે હિસ્સાનું મુદ્રીકરણ કરી શક્યા છે. ડેટા દર્શાવે છે કે, બ્લોક ડીલ્સ હજુ પણ પ્રબળ એક્ઝિટ મોડ 67 ટકાથી ઘટીને 56 ટકા રહી છે ત્યારે પીઈ એક્ઝિટ વર્તણૂક પણ બદલાઈ રહી છે. જાન્યુઆરી અને ઓક્ટોબર 2025ની વચ્ચે સેકન્ડરી સેલ્સનો હિસ્સો બમણો થઈને 16 ટકા થયો છે. આ વલણ મજબૂત થવાની અપેક્ષા છે, કેમ કે, 165 અબજ ડોલર મૂલ્યના ખાનગી ઈક્વિટી રોકાણો પરિપક્વ થયા છે અને ડિસઈન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધે છે.
IPOના ઈતિહાસની રસપ્રદ વાત
2020થી 2025ની વચ્ચે કંપનીઓએ આઈપીઓ થકી રૂ.5.39 લાખ કરોડથી પણ વધુનું ફંડ એકત્ર કર્યું હતું, જ્યારે 2000 થી 2020ની વચ્ચે આઈપીઓ મારફત કુલ રૂ.4.5 લાખ કરોડ એકઠા કરવામાં આવ્યા હતા, બીજી એક રસપ્રદ વાત એ છે કે, 2020થી 2025ની વચ્ચે 336 આઈપીઓ મારફત રેકોર્ડ રૂ.5.39 લાખ કરોડ એકઠા કરવામાં આવ્યા હતા, જ્યારે 2000થી 2020ની વચ્ચે 658 આઈપીઓ દ્વારા રૂ.4.5 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા


