ચાલુ નાણાંકીય વર્ષ 2025-26ના એપ્રિલથી સપ્ટેમ્બરના પ્રથમ છ મહિનામાં ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના ઈનફ્લોમાં 18 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. આ વધારા સાથે નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ એફડીઆઈનો પ્રવાહ 35.18 અબજ ડોલર પર પહોંચ્યો છે. જો કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં બીજા ત્રિમાસિકમાં આ પ્રવાહમાં 11.1 ટકાનો ઘટાડો થયો હતો.
એફડીઆઈ ઈનફ્લો મામલે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ સમયગાળા દરમિયાન અમેરિકાથી આવતા સીધા વિદેશી મૂડીરોકાણમાં 6.62 અબજ ડોલર સાથે બમણાથી પણ વધુ વધારો થયો છે, એમ સરકારી ડેટામાં જણાવવવામાં આવ્યું હતું. 2024-25માં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન એફડીઆઈનો પ્રવાહ 29.79 અબજ ડોલર હતો, જેમાં 2025-26માં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો થયો હતો. આ વધારા સાથે આંકડો 16.55 અબજ ડોલર પર પહોંચ્યો હતો.ઈક્વિટી ઈનફ્લો, કમાણીના ફરી રોકાણ અને અન્ય કેપિટલને સમાવતાં કુલ એફડીઆઈમાં આ સમયગાળા દરમિયાન 2024-25માં 42.3 અબજ ડોલરની સરખામણીમાં 2025-26માં 50 અબજ ડોલરનો વધારો થયો છે. 2024-25ના પ્રથમ છ મહિનામાં 2.57 અબજ ડોલરની સરખામણીમાં 2025-26ના સમાન સમયગાળામાં એફડીઆઈનો પ્રવાહ વધીને 6.62 અબજ ડોલર થયો છે. જે બમણાથી પણ વધુ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સિંગાપોર એફડીઆઈ ઈનફ્લો મામલે 11.94 અબજ ડોલર સાથે મોખરે છે.
એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2025ના સમયગાળા દરમિયાન કુલ 77.27 અબજ ડોલરના કુલ ઈનફ્લો સાથે અમેરિકા ભારતમાં રોકાણ મામલે ત્રીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન સિંગાપોર 186.82 અબજ ડોલરના કુલ રોકાણ સાથે ટોચ પર છે. ત્યારબાદ આ યાદીમાં મોરેશિયસનો ક્રમ આવે છે. જેનું આ સમયગાળામાં ભારતમાં કુલ રોકાણ 183.66 અબજ ડોલર રહ્યું છે.


