સેબીના બોર્ડની આજે મળેલી બેઠકમાં ડિલિસ્ટિંગ માટેના ધારાધોરણોમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા અંતર્ગત ચોક્કસ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે સ્વૈચ્છિક રીતે ડિલિસ્ટિંગ કરાવવા માટે કેટલાક નવા નિયમો દાખલ કરવામાં આવ્યા હતા. આ નવા નિયમો બેંકિંગ, નોન બેકિંગ ફાયનાન્સિયલ અને વીમા ક્ષેત્રે કાર્યરત ન હોય એવી તથા જે કંપનીઓમાં સરકારનું હોલ્ડિંગ 90 ટકાથી વધારે હોય એવી કંપનીઓને લાગુ પડશે. આવા સુધારા કરવા પાછળનો હેતુ ફિક્સ્ડ પ્રાઇસ ડિલિસ્ટિંગ વિકલ્પ અપનાવીને આવી સરકારી કંપનીઓ ડિલિસ્ટિંગ કરાવી શકે તે માટે વિકલ્પ ખુલ્લો કરવાનો છે. જો આ વિકલ્પ ન આપવામાં આવે તો ડિલિસ્ટિંગ માટે પરંપરાગત રીતે જે રિવર્સ બુક બિલ્ડિંગનો માર્ગ અપનાવવામાં આવે છે તેનો ઉપયોગ આવી કંપનીઓએ કરવો પડે છે, જેમાં સટ્ટાકીય સોદાથી શેરના ભાવ પર અસર પડે એવી અને પબ્લિકનો હિસ્સો ઓછો રહે એવી શક્યતા હોય છે. પાછલા મહિને સેબીએ આ અંગે એક કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું અને હિતધારકો પાસેથી આ અંગે 26મી મે સુધીમાં સુચનો મંગાવવામાં આવ્યા હતા. જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે લિસ્ટિંગ પછી નિયમોનો અમલ કરાવવો એ સેબી માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ખાસ કરીને લિસ્ટિંગ પછી ત્રણ વર્ષના સમયગાળામાં સંબંધિત કંપનીમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ 75 ટકાથી નીચે હોવું જોઇએ એ નિયમનું પાલન કોઇ જાહેર ક્ષેત્રની કંપની કરતી નથી. આ જોગવાઇના પાલન માટે અનેક પીએસયુને વખતોવખત સમયમર્યાદા લંબાવી આપવામાં આવી છે, તેમ છતાં હાલમાં 20થી વધુ સરકારી માલિકીની કંપનીઓએ આ જોગવાઇનું પાલન કર્યું નથી. આ પૈકીની કેટલીક કંપનીઓને લિસ્ટિંગ કરાવ્યા પછી દસ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં આ કંપનીઓ પ્રમોટર્સ એટલે કે સરકારનું હોલ્ડિંગ ઓછું થાય એવો ઇરાદો જ ધરાવતી નથી. ઉપલબ્ધ ડેટા મુજબ સેબીએ ડિલિસ્ટિંગના ધારાધોરણોમાં ફેરફાર કર્યા મુજબ જે કંપનીઓમાં સરકારનું હોલ્ડિંગ 90 ટકાથી વધારે હોય એવી પીએસયુ કંપનીઓની સંખ્યા 10 છે, જેમાં કેઆઇઓસીએલ, આઇડીબીઆઇ બેંક, આઇઓબી, એચએમટી, પંજાબ એન્ડ સિંધ બેંક, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, યુકો બેંક, આઇટીઆઇ અને ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ ટ્રાવનકોરનો સમાવેશ થાય છે. જોકે સેબીએ બેકિંગ-ફાયનાન્સિયલ અને વીમા ક્ષેત્રની કંપનીઓને આ લાભ આપ્યો ન હોવાથી આ જોગવાઇનો લાભ લઇ શકે એવી પીએસયુની સંખ્યા માત્ર પાંચ જ છે.
સેબી દ્રારા ડિલિસ્ટિંગના ધારાધોરણોમાં આ સુધારો કરવામાં આવ્યો તે અંગે પ્રતિક્રિયા આપતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે હવે જે પીએસયુ કંપનીઓના શેરના ટ્રેડિંગમાં તરલતા જોવા મળતી નથી એવી કેટલીક પીએસયુ ડિલિસ્ટિંગ કરાવી શકે છે. સેબીએ કરેલા સુધારા મુજબ હવે આવી કંપનીઓએ ડિલિસ્ટિંગ કરાવવા માટે 66 ટકા શેરહોલ્ડર્સની મંજૂરી લેવાની જરૂર નથી અને ફિક્સડ પ્રાઇસના આધારે ડિલિસ્ટિંગ થઇ શકે છે. આ ફિક્સ્ડ પ્રાઇસ ફ્લોર પ્રાઇસથી 15 ટકા જેટલી વધારે રાખવી પડશે અને તે નક્કી કરતી વખતે ટ્રેડિંગની ફ્રિકવન્સિ ધ્યાનમાં લેવાની જરૂર નથી.
હાલમાં જે નિયમો પ્રવર્તમાન છે તે મુજબ જો પીએસયુને ડિલિસ્ટિંગ કરાવવું હોય તો રિવર્સ બુક બિલ્ડિંગની પ્રથાના આધારે શેરની કિંમત નક્કી થાય છે. આ પ્રથા અંતર્ગત 60 દિવસના સરેરાશ ભાવ ગણવાના હોય છે અને છેલ્લા 26 સપ્તાહની જે સૌથી વધારે ભાવ હોય તેને પણ ગણતરીમાં લેવાનો હોય છે. આથી બુક વેલ્યુ ઓછી હોય અને આર્થિક તાકાત ઓછી હોય તો પણ શેરબજારમાં શેરનો ભાવ ઊંચો હોવાના કારણે પીએસયુ માટે ડિલિસ્ટિંગ કરાવવું મોંઘું બને છે.
સેબીના બોર્ડે લીધેલા અન્ય નિર્ણયો:
* ઇન્ડિયન ગવર્નમેન્ટ બોન્ડમાં વિદેશી રોકાણકારો દ્રારા રોકાણ કરવાના નિયમો હળવા બનાવાયા
* ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશન પ્લેસમેન્ટ (ક્યુઆઇપી) માટેના પ્લેસમેન્ટ ડોક્યુમેન્ટના નિયમોમાં પણ છુટછાટ આપવામાં આવી
* નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડમાં ટ્રેડિંગ કરનારા બ્રોકરો માટેની સેટલમેન્ટ સ્કીમને મંજૂરી અપાઇ
* એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ જ એજંલ ઇન્વેસ્ટર્સ બની શકશેઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) માટેના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના નિયમો હળવા બનાવાયા
* આઇપીઓ પહેલા હવે પ્રમોટર્સ સિવાયના શેરહોલ્ડરો જેવા કે કિ મેનેજરિયલ પર્સોનલ (કેએમપી), ડાયરેક્ટર્સ, કર્મચારીઓ, શેર વેચાણ કરવા માંગતા સ્ટેક હોલ્ડર્સે વગેરેએ પણ શેરોને ડિમેટ ફોર્મમાં કન્વર્ટ કરવા પડશે
આઇપીઓ લાવવા માંગતા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સ હવે ઇ-સોપ્સનો લાભ લઇ શકશે
આઇપીઓ લાવવા માંગતા સ્ટાર્ટ અપના ફાઉન્ડર્સને મોટી રાહત આપતા એક ઘટનાક્રમમાં સેબીએ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સને આવા આઇપીઓ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કરવામાં આવે તેના એક વર્ષ પહેલા જારી કરવામાં આવેલા એમ્પ્લોયિ સ્ટોક ઓપ્શન્સ (ઇસોપ્સ)નો લાભ લેવાની છુટ આપી છે. હાલના નિયમ મુજબ આઇપીઓ લાવનારા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સે તેમની પાસે ઇસોપ્સ કે શેર સંબંધિત અન્ય કોઇ લાભો હોય તો તેને આઇપીઓ લાવતા પહેલા વેચી નાંખવાના હોય છે.