હાલમાં ભારતમાં ફક્ત પાંચ ટકા ઈ-કચરો રિસાયકલ થઈ રહ્યો છે, જેને અંદાજે રૂ.2,500 કરોડના રોકાણ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતના રિસાયકલિંગ ક્ષેત્રને ઈ-કચરાની કુશળ રીતે અને સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે પ્રક્રિયા કરવા માટે રૂ.50,000 કરોડની આવશ્યકતા છે. જે રોકાણની એક સારી તક ઉપલબ્ધ કરાવે છે, કેમ કે આ ક્ષેત્ર ટકાઉ અને નફાકારક છે, પણ કાચા માલની અછત એક મોટો પડકાર છે. નિષ્ણાતો ઉદ્યોગ અને સરકાર વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્વદેશી ટેકનોલોજી અને સહાયક નીતિઓ વિકાસને આગળ ધપાવી રહી છે. ભારતના રિસાયકલિંગ ક્ષેત્ર ઈ-કચરાની પ્રોસેસિંગમાં એક મોટો પડકાર આવી રહ્યો છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રને રૂ.50,000 કરોડની જરૂરિયાત છે અને ઔપચારિક રિસાયકલિંગ ચેનલોમાં પ્રવેશતા કાચા માલની વધતી જતી અછતને દૂર કરવી પડશે. પ્લાસ્ટિક રિસાયકલિંગ શો (પીઆરએસ) ઈન્ડિયા અને ભારત રિસાયકલિંગ શો(બીઆરએસ) 2025ના ઉદ્દધાટન પ્રસંગે આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મુંબઈ ખાતે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં 150થી વધુ પ્રદર્શનકર્તા સામેલ થયા હતા અને દસ હજાર લોકોએ તેની મુલાકાત લીધી હતી.બીઆરએસ 2025 સાથે આયોજિત પીઆરએસ ઈન્ડિયા સહભાગીઓની સંયુક્ત પહેલ હેઠળ બોમ્બે એક્ઝિબિશન ખાતે શરૂ થયું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમ રિસાયકલર્સ, ઉત્પાદકો, નીતિ નિર્માતાઓ અને રોકાણકારોને એકસાથે આવવાનું પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. જેથી નીતિ, ટેકનોલોજી અને બજાર પરિવર્તનની ચર્ચા કરી શકાય, જે ભારતના સર્ક્યુલર અર્થતંત્ર તરફના પરિવર્તનને આકાર આપે છે. નિષ્ણાતોએ ભારતની રિસાયકલિંગ ઈકોસિસ્ટમને ટેકો આપવા માટે ઉદ્યોગ અને સરકાર વચ્ચે ગાઢ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ક્ષેત્ર સ્વાભાવિક રીતે સદ્ધર, નફાકારક અને ટકાઉ હોવા છતાં કાચા માલની અછત એક મોટો પડકાર છે. આ ક્ષેત્રનો વિકાસ સતત સામગ્રી પુરવઠા, અસરકારક નીતિ અમલીકરણ અને નિયમનકારી સ્પષ્ટતા પર આધાર રાખે છે.ઉલ્લેખનિય છે કે હાલના ડિજિટલ યુગમાં મોબાઈલ તથા કોમ્પ્યુટરનો ઉપયોગ એટલો વધી ગયો છે કે તેમાથી ઉત્પન્ન થતો ઈવેસ્ટ એક મોટી ચિંતાનો વિષય છે.
ક્ષેત્રના વિકાસ માટે એકીકૃત પ્લેટફોર્મ જરૂરી
ભારત દર વર્ષે દસ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકની પ્રક્રિયા કરે છે અને કાગળ ઉત્પાદન માટે લગભગ 45 ટકા રિસાયકલ ઈનપુટનો ઉપયોગ કરે છે, જો કે ઝીંક જેવી ઘણી ધાતુઓમાં પુનઃપ્રાપ્તિ દર ઓછો રહે છે, જેમાં રિસાયકલિંગ લગભગ દસ ટકા છે, આ અંતર દર્શાવે છે કે, નીતિ, ટેકનોલોજી અને બિઝનેસ માટે એકીકૃત પ્લેટફોર્મ શા માટે જરૂરી છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.


