શું સરકાર એલઆઈસી સહિતની પબ્લિક સેક્ટરની કંપનીઓને અદાણી જૂથમાં રોકાણ કરવા માટે ફરજ પાડે છે?, તેવા સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) અને અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓને કેવી રીતે અને કઈ કંપનીમાં રોકાણ કરવું તે અંગે કોઈ સલાહ આપતી નથી. લોકસભામાં કેન્દ્રીય નાણાં મંત્રલાયે ઉક્ત પ્રશ્નના જવાબમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, યોગ્ય કડક કાર્યવાહી, જોખમ ચકાસણી અને વિશ્વાસપાત્ર પાલનને અનુસરીને તેમજ વીમા અધિનિયમ 1938ની જોગવાઈઓ તેમજ આઈઆરડીએઆઈ, આરબીઆઈ અને સેબી દ્વારા જારી નિયમોને ધ્યાનમાં રાખીને એલઆઈસી દ્વારા સ્વતંત્ર રીતે શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે. તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. 30મી સપ્ટેમ્બર સુધીમાં નિફ્ટી 50 કંપનીઓમાં એલઆઈસીની રોકાણ બૂક વેલ્યૂ 4.31 લાખ કરોડ છે, જે તેના કુલ ઈક્વિટી રોકાણના 45.85 ટકા છે.


