શુક્રવારે થનારી નાણાં નીતિની જાહેરાતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) 5.5 ટકાનો રેપો રેટ જાળવી રાખે તેવી શક્યતા છે, આ સાથે મધ્યસ્થ બેંક પોતાનું ન્યુટ્રલનું વલણ પણ જાળવી રાખે તેવી સંભાવના છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. આવતીકાલથી આરબીઆઈની મોનેટરિ પોલિસીની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ થશે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના અનુકૂળ વલણને કારણે આરબીઆઈ મોનેટરી પોલિસી અંગે સ્થિર વલણ અપનાવે તેવા સંકેતો છે. વર્તમાન દરને જાળવી રાખીને, કેન્દ્રીય બેંકનો ઉદ્દેશ્ય અગાઉના રેટ કટના લાભોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવાનો છે. માર્કેટના અંદાજને ખોટા ઠેરવતાં 2025-26ના નાણાં વર્ષના બીજા કવાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિ 8.2 ટકાના મજબૂત સ્તરે રહેતા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા સાવ ધૂંધળી બની છે. કેમ કે, આર્થિક વૃદ્ધિનું આ વલણ ત્રીજા ક્વાર્ટરમાં પણ અવિરત રહેવાની સંભાવના છે. જે શહેરી વિસ્તારોમાં વધેલા વપરાશ અને સ્થિતિસ્થાપક ગ્રામીણ માંગને આભારી છે.


