દેશના એક્ટિવ અને પેસિવ બન્ને પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો મે, 2025માં સૌપ્રથમ વાર રૂ.40લાખ કરોડને પાર ગયો છે. એમએફ ઉદ્યોગની એયુએમમાં થયેલા આવા વધારા માટે ઇક્વિટી સ્કીમોને સિંહફાળો છે.
આ ઉપરાંત માર્ચ મહિનાના મધ્ય ભાગથી શેરબજારમાં જોવા મળેલી તેજી અને એમએફમાં આવતો રોકાણનો પ્રવાહ અકબંધ રહ્યો છે તે પરિબળો પણ આના માટે જવાબદાર છે. મ્યુચ્યુઅલ ફંડોની કુલ એયુએમમાં થયેલા કુલ વધારાની તુલનાએ ઇક્વિટી સ્કીમોની એયુએમમાં થયેલો વધારો ઘણો જ આગળ છે. મે, 2025માં કુલ એયુએમમાં ઇક્વિટી સ્કીમોની એયુએમનો હિસ્સો વધીને 57ટકા થયો છે, જે એક વર્ષ પહેલા એટલે કે મે, 2024માં 55 ટકા હતો. સપ્ટેમ્બર, 2024માં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની સર્વોચ્ચ સપાટી કાયમ કરી હતી. જે પછી ઓક્ટોબર મહિનાથી એફઆઇઆઇની તીવ્ર વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં મંદીનો તબક્કો શરૂ થયો હતો અને વર્ષ 2025ની શરૂઆતથી માર્ચના મધ્ય ભાગ સુધી મંદીનો આ તબક્કો વધુ તીવ્રતાથી આગળ વધ્યો હતો. આ મંદીના તબક્કામાં એમએફની કુલ એયુએમાં ઘટાડાતરફી ચાલ હતી. જોકે માર્ચના મધ્ય ભાગથી ભારતીય શેરબજારમાં ફરી તેજીનો પવન ફુંકાતા એયુએમમાં પણ વધારાની ચાલ જોવા મળી છે. જેને પગલે મે, 2025ના અંતે એમએફની કુલ એયુએમ રૂ. 40.9લાખ કરોડ નોંધાઇ છે, જે એપ્રિલની તુલનાએ 4.5ટકાનો અને છેલ્લા ત્રણ મહિના પહેલાના આંકડાની તુલનાએ 17ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે એમએફની કુલ એયુએમમાં એક્ટિવ ફંડોનો હિસ્સો 78ટકા જેટલો છે જ્યારે પેસિવ ફંડોનું યોગદાન 22ટકા જેટલું છે.