નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ દેશની અગ્રણી ઇન્ફ્રા કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એમઇઆઇએલ)ને બ્લેકલિસ્ટ કરી છે. 16મી જુને કેરળના નેશનલ હાઇને 66ના ચેંગલાથી નિલેશ્વરમ સેકશનમાં પ્રોટેક્શન સ્લોપ ધસી પડયો તેના માટે મેઘા દ્રારા આ કામ કાળજીપૂર્વક ન કરવામાં આવ્યું હોવાની બાબત જવાબદાર હતી જેને પગલે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આથી હવે કંપની નેશનલ હાઇવેના આગામી પ્રોજેક્ટ્સ માટે બિડ નહીં કરી શકે.
આ પ્રોજેક્ટ મેઘા દ્રારા એચએએમ મોડલ અંતર્ગત હાથ ધરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત આ સેકશનની મરામત અને જાળવણીની જવાબદારી કંપનીના શિરે હતી.
જોકે કંપની સ્લોપ પ્રોટેક્શન માટે યોગ્ય કામકાજ કરવામાં અને ખાસ કરીને ડ્રેઇનેજ સિસ્ટમ ઊભી કરવામાં નિષ્ફળ જતા આ સ્લોપ પ્રોટેક્શન ધસી પડયું હતું. આના પગલે કંપનીને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે અને રૂ. 9 કરોડનો દંડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે એમ એનએચએઆઇના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. મેઘાને આ નોટિસનો જવાબ પંદર દિવસમાં આપવાનો છે અને આ જવાબ મળે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.