ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો રોકાણ પરત ખેંચી રહ્યા હોવાની ચિંતા વચ્ચે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ (એફડીઆઈ)માં પણ ઓક્ટોબરમાં ફરી એક વખત ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું. ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં એફડીઆઈના 1.66 અબજ ડોલરના નેટ આઉટફ્લોની સરખામણીમાં ઓક્ટોબરમાં એફડીઆઈએ ભારતમાંથી 1.55 અબજ ડોલરની મૂડી પરત ખેંચી હતી. એટલે કે, વિદેશી રોકાણકારો બાદ એફડીઆઈના આઉટફ્લોનું વલણ પણ સતત બની રહ્યું છે. એકંદર આધારે એફડીઆઈનો ઈનફ્લો સપ્ટેમ્બરમાં સાત અબજ ડોલરની સરખામણીએ ઓક્ટોબરમાં 6.54 અબજ ડોલર હતો. ઓક્ટોબર 2024માં આ આંકડો 7.17 અબજ ડોલર હતો. સેક્ટર સ્પેસિફિક બ્રેકડાઉન સૂચવે છે કે, લગભગ 90 ટકા આઉટવર્ડ એફડીઆઈ નાણાંકીય, વીમા અને વ્યવસાયિક સેવાઓમાં હતું. ત્યારબાદ જથ્થાબંધ, રિટેલ વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે હતું. ઓક્ટોબરમાં ભારતીય કંપનીઓ દ્વારા 3.09 અબજ ડોલરનું વિદેશી રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યારે વિદેશી કંપનીઓએ પાંચ અબજ ડોલરથી નીચેનું ફંડ પરત ખેંચ્યું હતું. બંનેનો સંયુક્ત આંકડો 8.08 અબજ ડોલર થાય છે, જે સપ્ટેમ્બરના 8.67 અબજ ડોલરથી નીચે છે. પણ ગત વર્ષ કરતાં 11 ટકા વધુ છે.
ભારતીય કંપનીઓ, FDIનું વલણ પણ રૂપિયા પર દબાણ માટે કારણભૂત
હાલના સમયમાં અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં રેકોર્ડ ઘસારો થયો છે, આ માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમાં ભારતીય કંપનીઓ અને એફડીઆઈનું વલણ પણ જવાબદાર છે, એટલે કે, ભારતીય કંપનીઓ દ્વારા વિદેશની કંપનીઓમાં રોકાણ અને એફડીઆઈ દ્વારા ભારતમાંથી રોકાણ પરત ખેંચવાને કારણે પણ ડોલર સામે રૂપિયો નબળો પડયો છે
FIIની રૂ.1,794.80 કરોડની નેટ વેચવાલી
મંગળવારે ભારતીય બજારમાં એફઆઇઆઇએ રૂ.1,794.80 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ.3,812.37 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે ડિસેમ્બરમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ.22,109.51 કરોડ અને ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ.59,902.71 કરોડ થયો છે.


