ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનો તણાવને આજે છઠ્ઠો દિવસ થતાં રૂપિયો દબાણ હેઠળ ટ્રેડ થતો જોવા મળ્યો હતો અને યુએસ ડોલર સામે વધુ 23 પૈસા ઘટીને 86.47ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં રૂપિયો 86.57ની સપાટી સુધી ઘટયો હતો.
આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો ગઇકાલની 86.24ની સપાટીથી 18 પૈસા તૂટીને 86.42ની સપાટીએ ખુલ્યો હતો અને હેવિ વોલેટાલિટી ધરાવતા સેશન દરમિયાન 86.25ની હાઇ અને 86.57ની લો સપાટી બનાવ્યા પછી અંતે 23 પૈસા તૂટીને 86.47ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન છ વૈશ્વિક અગ્રણી કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.17 ટકા ઘટીને 98.65ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ક્રુડ માટેનું ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ પણ આજે 0.86 ટકા ઘટીને પ્રતિ બેરલ 75.79ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રૂપિયો દબાણ હેઠળ રહેશે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર અંગે શું નિર્ણય લેવાય છે તેની અસર પણ રૂપિયા પર જોવા મળશે.