મિડલ ઇસ્ટમાં તણાવ અકબંધ રહેતા ક્રુડના ભાવમાં વધારાતરફી ચાલ જળવાઇ હતી, જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાતાં ભારતીય શેરબજારના સુચકાંકો આજે અફરાતફરીભર્યા સેસનના અંતે નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સતત બે દિવસ તેજી નોંધાવનારા આઇટી સ્ટોક્સ્માં પણ આજે મંદી જોવા મળી હતી. આજે મોડી રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર હોવાથી રોકાણકારોએ સાવચેતીનો સુર અપનાવતા તેના કારણે પણ બજાર સુસ્ત રહ્યું હતું અને સતત બીજા સેશનમાં મંદી છવાઇ હતી.
પ્રારંભે 269 પોઇન્ટ નીચમાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,858ની હાઇ અને 81,237ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 621 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 138 પોઇન્ટ એટલે કે 0.17 ટકા ઘટીને 81,444ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 65 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,947ની હાઇ અને 24,750ની લો સપાટી બનાવી હતી અને અંતે 41 પોઇન્ટ એટલે કે 0.17 ટકા ઘટીને 24,812ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 155 પોઇન્ટ એટલે કે 0.34 ટકા ઘટીને 45,690ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 179 પોઇન્ટ એટલે કે 0.34 ટકા ઘટીને 53,033ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ જોકે બજારથી વિપરીત જઇને 68 પોઇન્ટ એટલે કે 0.06 ટકા વધીને 1,03,964ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,115 શેર પૈકી 1,532 વધીને, 2,448 ઘટીને અને 135 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 446.28 લાખ કરોડ એટલે કે 5.17 ટ્રિલિયન ડોલર નોંધાયું છે, જે ગઇકાલના રૂ. 447.91 લાખ કરોડથી રૂ. 1.63 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 10 અને નિફ્ટીના 50 પૈકી 14 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેર પૈકી ઇન્ડસઇન્ડ બેંકમાં 5.12 ટકાનો, ટાઇટનમાં 1.99 ટકાનો, એમ એન્ડ એમમાં 1.24 ટકાનો અને મારૂતિમાં 1.12 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટીસીએસમાં 1.79 ટકાનો, અદાણી પોર્ટ્સમાં 1.55 ટકાનો, એચયુએલમાં 1.35 ટકાનો અને બજાજ ફિનસર્વમાં 1.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી ટ્રેન્ટમાં 1.80 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નેસ્લે ઇન્ડિયામાં 1.35 ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં 1.28 ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇસિસમાં 1.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.88 ટકા ઘટીને 14.28 પર પહોંચ્યો હતો. નિફ્ટી પરના મુખ્ય 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી ચાર વધીને જ્યારે દસ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી કન્ઝયુમર ડયુરેબલ્સ 0.79 ટકા, પ્રાઇવેટ બેંક 0.39 ટકા, ઓટો 0.37 ટકા અને બેંક 0.21 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડિયા 1.27 ટકા, આઇટી 0.83 ટકા, મેટલ 0.72 ટકા અને હેલ્થકેર 0.59 ટકા ઘટયો હતો.
* બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 155 આંક, સ્મોલ કેપ 179 આંક ઘટયો
* રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.63 લાખ કરોડનો ઘટાડો નોંધાયો
* વોલેટાલિટી ઇન્ડેક્સ 0.88 ટકા ઘટીને 14.28ની સપાટીએ પહોંચ્યો
* નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.39 ટકા, ઓટો 0.37 ટકા અને બેંક 0.21 ટકા વધ્યો
* નિફ્ટી આઇટી 0.83 ટકા, મેટલ 0.72 ટકા અને હેલ્થકેર 0.59 ટકા ઘટયો
* હૈફા બંદરને નુકસાનની ભીતિને પગલે અદાણી પોર્ટ્સ સતત છઠ્ઠા દિવસે ઘટાડો
ઇઝરાયેલના હૈફા પોર્ટ્સમાં 70 ટકા હિસ્સો ધરાવતી અદાણી જુથની કંપની અદાણી પોર્ટ્સમાં આજે દિવસ દરમિયાન 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને સેશનના અંતે આ શેર 1.55 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ સાથે આ શેર સતત છઠ્ઠા સેશનમાં ઘટયો છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં ઇઝરાયેલના મુખ્ય બંદરો પૈકીના એક હૈફાને નુકસાન થઇ શકે છે એવી ચિંતાને પગલે અદાણી પોર્ટ્સમાં ઘટાડા તરફી ચાલ છે.
સતત બીજા દિવસે FIIની નેટ લેવાલી । આજે સતત બીજા દિવસે FIIએ ભારતીય શેરબજારમાં નેટ લેવાલી કરી હતી અને રૂ. 890 કરોડની નેટ બાયર્સ રહી હતી. DIIએ પણ રૂ. 1,091 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે જુન મહિનામાં FIIએ કરેલી નેટ વેચવાલીનો આંકડો ઘટીને રૂ. 4,979 કરોડ થાય છે, જ્યારે DIIની લેવાલીનો આંકડો વધીને રૂ. 59,229 કરોડ થાય છે.