ગઇ કાલે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકોએ વિક્રમી ટોચ કાયમ કરી તે પછી ઊંચા મથાળે સ્થાનિક રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતા અને વિદેશી ફંડોએ પણ જંગી વેચવાલી ચાલુ રાખતા મુખ્ય સુચકાંકો સહિત અન્ય સુચકાંકો પણ આજે ઘટીને બંધ રહ્યા હતા. લાર્જકેપ, સ્મોલ કેપ અને મિડ કેપ એ તમામ શેરો અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક વેચવાલી વચ્ચે નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં 26,000નું સ્તર ગુમાવ્યું હતું, જ્યારે સેન્સેક્સ માંડ માંડ 85,000નું સ્તર જાળવી શક્યો હતો. આ સાથે બજારમાં સતત ત્રીજા સેશનમાં મંદી છવાઇ હતી. હવે બજારની નજર શુક્રવારે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે શું નિર્ણય લે છે તેની પર છે.
પ્રારંભે 316 પોઇન્ટના કડાકા સાથે ખૂલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 85,553ની હાઇ અને 85,053ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 500 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 503 પોઇન્ટ એટલે કે 0.59 ટકા ઘટીને 85,138ની સપાટીએ બંધ રહ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85,000નું સ્તર માંડ માંડ જાળવ્યું હતું. નિફ્ટીએ પણ પ્રારંભે 88 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 26,154ની હાઇ અને 25,997ની લો સપાટી બનાવી હતી અને કુલ 157 પોઇન્ટની વધઘટને અંતે 143 પોઇન્ટ એટલે કે 0.55 ટકા ઘટીને 26,032ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ પણ 65 પોઇન્ટ એટલે કે 0.14 ટકા ઘટીને 47,056 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 257 પોઇન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 51,822ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 470 પોઇન્ટ એટલે કે 0.45 ટકા ઘટીને 1,04,443 પર બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,316 શેર પૈકી 1,482 શેર વધીને, 2,677 ઘટીને અને 157 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 472.46 લાખ કરોડ એટલે કે 5.26 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે સોમવારના રૂ. 474.52 લાખ કરોડની તુલનાએ રૂ. 2.06 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 9 અને નિફ્ટીના 50 પૈકી 15 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એશિયન પેઇન્ટ્સ 3.11 ટકા, મારૂતિ 0.78 ટકા અને ભારતી એરટેલ 0.59 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે એક્સિસ બેંકમાં 1.59 ટકાનો, એચડીએફસી બેંકમાં 1.25 ટકાનો અને રિલાયન્સમાં પણ 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી ડો. રેડ્ડીઝ લેબ 1.30 ટકા અને એસબીઆઇ લાઇફ 0.68 ટકા વધ્યો હતો, જ્યારે ઇન્ડિગો 1.62 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 1.17 ટકા અને અદાણી એન્ટરપ્રાઇસિસ 1.02 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 3.41 ટકા ઘટીને 11.23ની સપાટીએ પહોંચ્યો હતો. આજે એનએસઇ પરના તમામ મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર નિફ્ટી ફાર્મા 0.08 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે બાકીના તમામ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં 0.90 ટકાનો, પ્રાઇવેટ બેંકમાં 0.69 ટકાનો અને કન્ઝયુમર ડયુરેબલ્સમાં 0.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બેન્કિંગ-ફાઇનાન્શિયલ શેરોમાં મંદી, બેંક નિફ્ટી 407 પોઇન્ટ તૂટયો
આજે બેન્કિંગ તથા ફાઇનાન્સિયલ ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર મંદી જોવા મળી હતી. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સના 20 પૈકી 15 ઘટક શેરો ઘટીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 249 પોઇન્ટ એટલે કે 0.90 ટકા ઘટીને 27,565 પર બંધ રહ્યો હતો અને સેક્ટોરલ ઇન્ડેક્સમાં ટોપ લુઝર્સ બન્યો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક આ ત્રણેય અગ્રણી ખાનગી બેંકોમાં 1 ટકાથી વધુ ઘટાડો નોંધાતા નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ પણ 199 પોઇન્ટ એટલે કે 0.69 ટકા ઘટીને 28,558 પર બંધ રહ્યો હતો. સરકારી બેંકોમાં પણ મંદી હતી. પરિણામે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ 20 પોઇન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 8,514 પર બંધ રહ્યો હતો. ખાનગી અને સરકારી બન્ને બેંકોમાં મંદીને પગલે બેંક નિફ્ટી પણ 407 પોઇન્ટ એટલે કે 0.68 ટકા તૂટીને 59,273 પર બંધ રહ્યો હતો.


