અમદાવાદ અને મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન્સનું બિડ સિમેન્સની આગેવાની ધરાવતી કોન્સોર્ટિયમને ફાળે આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અમલીકરણ કરતી કંપની નેશનલ હાઇ સ્પિડ રેલ કોર્પોરેશન સિમેન્સના રૂ. 4,100 કરોડના બિડને માન્ય રાખ્યું છે. સિમેન્સ લિમિટેડ, સિમેન્સ મોબિલીટી જીએમબીએચ અને અમદાવાદ સ્થિત એક ઇન્ફ્રા કંપનીની કોન્સોર્ટિયમે આ બિડ ભર્યું હતું. કુલ રૂ. 4,100 કરોડના આ બિડમાં સિમેન્સના ફાળે રૂ. 1,230 કરોડનું કામ આવશે જે અંતર્ગત ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને એડવાન્સ્ડ સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન્સ સિસ્ટમની જાળવણી અને મરામતનું કાર્ય હાથ ધરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બુલેટ ટ્રેન માટે યુરોપિયન ટ્રેઇન કંટ્રોલ સિસ્ટમ લેવલ 2ની અને અન્ય ટ્રેઇન ટેકનોલોજી પૂરી પાડવામાં આવશે. આ ટેકનોલોજી 350 કિલોમિટરની ઝડપે દોડતી ટ્રેનની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. આ બિડ અંતર્ગત સમગ્ર કામ 54 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે અને તે પછી 15 વર્ષ સુધી જાળવણી અને મરામતની જવાબદારી સિમેન્સની રહેશે. આ બિડની નોંધનીય બાબત એ છે કે તેના માટે બે કંપનીઓ સ્પર્ધામાં હતી. સિમેન્સ ઉપરાંત ફ્રાન્સની અગ્રણી એસ એન્ટ ડી ટેકનોલોજી પૂરી પાડતી કંપની અલસ્ટોમ અને ભારતની એલ એન્ડ ટીની બનેલી કોન્સોર્ટિયમે પણ આ બિડ ભર્યું હતું, પરંતુ તેના બિડની રકમ સિમેન્સના બિડ કરતાં આશરે ત્રણ ગણી એટલે કે રૂ. 12,600 કરોડ હતી, આમ ફસ્ટ લોએસ્ટ અને સેકન્ડ લોએસ્ટ વચ્ચે ખૂબ જ મોટો તફાવત હતો.