અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે પણ ચાંદી 500 રૂપિયા વધીને નવી 1,07,500 રૂપિયે કિલોની ઓલટાઇમ હાઇ સપાટી કાયમ કરી હતી. જ્યારે સોનામાં બે દિવસની પીછેહટ પછી બુધવારે ફરી 400 રૂપિયા વધ્યા હતા. આ સાથે 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 1,02,400 રૂપિયા થયો હતો. જે તેની ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 600 રૂપિયા છેટું છે. વૈશ્વિક બજારમાં સોનું 19 ડોલર ઘટીને 3,378 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 17 સેંન્ટ વધીને 37.17 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 71 રૂપિયા ઘટીને 99,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 320 રૂપિયા વધીને 1,09,315 રૂપિયા થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 4.40 ડોલર ઘટીને 3,402.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 0.64 સેંન્ટ વધીને 37.215 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ, શેરબજારમાં કડાકો, વૈશ્વિક આર્થિક અનિચ્છિતતાનો માહોલ, રોકાણકારોમાં ગભરાહટ, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સહિતના કારણોસર હાલ વૈશ્વિક રાજકિય અને આર્થિક સ્થિતિ ડામાડોળ છે. તેવામાં રોકાણકારો કોઇ જોખમ લેવા માંગતા ન હોવાથી તેઓએ સોના-ચાંદીમાં રોકાણ વધારી દીધું છે. બીજી બાજુ ઔધોગિક એકમોમાં પણ ચાંદીની જબરદસ્ત માંગત હોવાથી ચાંદીના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે.