અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે ચાંદીમાં સ્થિરતા રહી હતી. ચાંદી પ્રતિ કિલોએ 1,90,000 રૂપિયા રહી હતી. જ્યારે સોનામાં 1,800 રૂપિયા ઘટીને સોનું પ્રતિ 10 ગ્રામે 1,35,700 રૂપિયા થયું હતું. વૈશ્વિક બજારમાં સોનું 39 ડોલર વધીને 4,278 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 55 સેંન્ટ ઘટીને 63.05 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો 370 રૂપિયા વધીને 1,34,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો 430 રૂપિયા ઘટીને 1,97,471 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 5.40 ડોલર વધીને 4,340.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.59 સેંન્ટ ઘટીને 63.43 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
અમદાવાદ બુલિયન બજારમાં મંગળવારે ચાંદીના ભાવમાં સતત કેટલાક દિવસોના ઉછાળા બાદ હાલ સ્થિરતા આવી હતી. જ્યારે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એક જ દિવસમાં 1,800 રૂપિયાનું ગાબડું પડયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઇ અને સ્થાનિક સ્તરે માંગમાં ઘટાડો થવાથી સોનાના ભાવ પર દબાણ આવ્યું હોવાનું બજારના જાણકારો દાવો કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ લગ્નસિઝન હોવા છતાંય ઊંચા ભાવના કારણે ગ્રાહકો ખરીદીમાં સાવચેતી રાખી રહ્યા છે. સોનામાં ઘટાડા બાદ પણ મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી નથી. જ્યારે ચાંદીમાં ઉદ્યોગ અને રોકાણકારોની માંગને કારણે ભાવ સ્થિર છે. આગામી દિવસોમાં વૈશ્વિક સંકેતો, ડોલરની હલચલ અને સ્થાનિક માંગ-પુરવઠાની સ્થિતિ અનુસાર સોના-ચાંદીના ભાવમાં ફરીથી ઉથલપાથલ જોવા મળી શકે છે.
રૂપિયામાં ધોવાણ પણ સોનામાં ઉછાળા માટે જવાબદાર
આજે ભલે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં રૂ. 1,800નો ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ હાલમાં સોનું એકદંરે ઐતિહાસિક સપાટીએ છે તેના માટે રૂપિયામાં ચાલુ નાણાકીય વર્ષમાં થયેલું 6.50 ટકા જેટલું ધોવાણ પણ જવાબદાર છે એમ નિષ્ણાતો જણાવે છે. ભારતમાં સોનાની આયાત કરીને જરૂરિયાત સંતોષવામાં આવે છે. ઓક્ટોબરમાં ભારતમાં સોનાની મોટા પાયે આયાત થઇ હતી, પરંતુ તે પછી નવેમ્બરમાં આયાત ઘટી છે. આમ છતાં સોનાની આયાત માટે ચુકવણી ડોલરમાં કરવી પડતી હોવાથી રૂપિયાનું ધોવાણ થતાં આયાત મોંઘી બને છે અને તેના કારણે પણ સોનામાં વધારાની ચાલ જોવા મળે છે. આગામી સમયગાળામાં રૂપિયામાં વધુ ધોવાણની શક્યતા જોવાઇ રહી છે ત્યારે સ્થાનિક બજારમાં આ કારણે સોનાના ભાવ પણ વધે એવી શક્યતા નિષ્ણાતો નકારતા નથી.


