– કંપનીઓએ શેર બાયબેક પર રૂ. ૨૧,૪૫૩ કરોડ ખર્ચ્યા
– કુલ ડિવિડન્ડનો આંકડો લગભગ ૨૦ ગણો વધુ રૂ. ૪.૪ લાખ કરોડ
Updated: Oct 14th, 2023
અમદાવાદ : ભારતીય શેરબજારમાં કંપનીઓ દ્વારા શેરધારકોને આકર્ષવા, ટકાવી રાખવા અને વળતર આપવા માટે બોનસ, બાયબેક અને સામાન્ય રીતે ડિવિડન્ડનો ઉપયોગ થાય છે. જોકે હવે શેરધારકોને ડિવિડન્ડ આપવું કે શેર બાયબેકનો લાભ આપવો તે નક્કી કરવું ભારતીય ઉદ્યોગ માટે એક મોટો પડકાર છે. જોકે ઉચ્ચ ટેક્સ ખર્ચ હોવા છતાં ડિવિડન્ડ દ્વારા શેરધારકોને વળતરરૂપે વધારાની રોકડ પૂરી પાડવાનું એક સારું માધ્યમ છે.
ભારતીય કંપનીઓના એકંદર વળતરમાં શેર બાયબેક એટલે કે ડિવિડન્ડ ચૂકવણી અને બાયબેક પર ખર્ચવામાં આવેલી કુલ રકમ ૨૦૨૩ના નાણાંકીય વર્ષમાં ઘટીને ૪.૮૫ ટકા થઈ હતી, જે નાણાં વર્ષ ૨૦૧૬ પછી સૌથી નીચી છે. વિશ્લેષકોના મતે બંને વચ્ચે વધુ ટેક્સ-કાર્યક્ષમ વિકલ્પ વ્યક્તિ અને પક્ષકારના પરિપ્રેક્ષ્ય પર આધાર રાખે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં ભારતીય કોર્પોરેટ જગતે શેર બાયબેક પ્રોગ્રામ પર રૂ. ૨૧,૪૫૩ કરોડ ખર્ચ્યા હતા, જ્યારે કુલ ડિવિડન્ડનો આંકડો લગભગ ૨૦ ગણો વધુ રૂ. ૪.૪ લાખ કરોડ હતો.
નાણાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ વચ્ચે ટેક્સની અનિયમિતતાઓને કારણે શેરધારકોના વળતર માધ્યમમાં બાયબેકનો હિસ્સો વધ્યો હતો. ૧ એપ્રિલ, ૨૦૧૬થી સરકારે ડિવિડન્ડ પર વધારાનો ૧૦ ટકા ટેક્સ લાદ્યો જેથી ઈફેક્ટિવ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ વધીને ૨૦.૬ ટકા થયો, જ્યારે લિસ્ટેડ કંપનીઓ દ્વારા બાયબેક પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો.
૨૦૧૬માં રોકાણકારોના કુલ રિવોર્ડ ભંડોળમાં બાયબેકનો હિસ્સો ૧ ટકા હતો,જે ૨૦૧૭થી ૨૦૧૯ વચ્ચે સરેરાશ ૨૫ ટકા થયો હતો. ટેક્સ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે સરકારે ૧ એપ્રિલ, ૨૦૧૯થી ૨૦ ટકા બાયબેક ઓફર કરી હતી. એક વર્ષ પછી ડીડીટી નાબૂદ કરવામાં આવ્યો અને ટેક્સનો બોજ શેરધારકો પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.