- અમેરિકાને પછાડીને આગળ નીકળી જશે ચીનની અર્થવ્યવસ્થા
- ચીન GDPમાં 5 ટકાનો વિકાસ દર જાળવી રાખે તો બનશે સુપરપાવર
- વિકાસશીલ દેશ બનશે ગ્લોબલ ઈકોનોમીના મેઇન એન્જિન
હાલ ચીન દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ આવનાર 11 વર્ષોમાં ચીન અમેરિકાને પછાડીને આગળ નીકળીને વિશ્વની નંબર 1 ઈકોનોમી બની જશે. એક થિંક ટેન્ક દ્વારા એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ચીનનો વિકાસ વિશ્વના અર્થતંત્રને આગળ લઈ જશે અને તે વર્ષ 2035 સુધીમાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બની જશે. આ રિપોર્ટ અમેરિકા, રશિયા, કેનેડા, ભારત અને ચીનના થિંક ટેન્ક નિષ્ણાતોએ તૈયાર કર્યો છે.
ચીની મીડિયા અનુસાર, થિંક ટેન્ક નિષ્ણાતોનું અનુમાન છે કે જો આગામી 5 વર્ષ સુધી ચીન દર વર્ષે GDPમાં 5 ટકાનો વિકાસ દર જાળવી રાખે છે અને 2035 સુધી 4 ટકાના વિકાસ દર સાથે આગળ વધે છે તો ચીન અમેરિકાને ઓવરટેક કરી જશે.
અમેરિકાથી આગળ નીકળી જશે ચીનની અર્થવ્યવસ્થા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનનો વિકાસ દર અમેરિકા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે, તેથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2035 સુધીમાં અમેરિકા ટોચની અર્થવ્યવસ્થા નહીં રહે. ચીને 2024 માટે તેના GDPમાં 5 ટકા વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું છે, જે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની અપેક્ષાઓ કરતાં ઘણું વધારે છે. ગયા વર્ષે ચીનની અર્થવ્યવસ્થામાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે તેના લક્ષ્ય કરતાં વધુ હતી.
ચીન 40 વર્ષથી વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા
નિષ્ણાતો માને છે કે ચીન અમેરિકા કરતાં વધુ રોકાણ કરી રહ્યું છે અને જો તે તેના GDPના 40 ટકાનું રોકાણ કરે છે તો તેની GDP 5 ટકા વધી જશે. આનો અર્થ એ થયો કે ચીનનો આર્થિક વિકાસ દર અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતા વધુ રહેશે. ચીન છેલ્લા 40 વર્ષથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો મુખ્ય ઘટક રહ્યો છે અને આગળ પણ રહેશે.
વિકાસશીલ દેશ આવનાર સમયમાં બનશે ગ્લોબલ ઈકોનોમીના મેઇન એન્જિન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકાસશીલ દેશ વૈશ્વિક આર્થિક વિકાસના મુખ્ય એન્જિન બનશે. એટલે કે જે દેશો હાલ ઝડપથી વિકાસ કરી રહ્યા છે તે આવનાર સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને આગળ લઈ જશે અને તેમનો મુખ્ય હિસ્સો હશે. આવનાર 10 વર્ષમાં આ દેશ વિશ્વની GDPને બમણી કરવામાં મોટો ભાગ ભજવશે.
બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય સંસ્થા PwCએ પણ ‘વર્લ્ડ ઇન 2050’ નામનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ 2050 સુધીમાં વિશ્વની 5 મહાસત્તા બની જશે. જો કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 26 વર્ષ પછી પણ અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ઈન્ડોનેશિયા જેવી અર્થવ્યવસ્થા જર્મની અને જાપાન જેવા દેશોને પાછળ છોડી દેશે. જર્મની અને જાપાન આ યાદીમાં ટોચના પાંચમાં પણ નથી.


