ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા એટલે કે ICAI એ આજે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ ચમક્યા છે.
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
- CA ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર
- દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ
- અમદાવાદની વિધી તલાટી દેશમાં 12મા ક્રમાકે
- અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ
આ અંગે માહિતી આપતા આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આઇસીએઆઈ દ્વારા આજે સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશનનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં બંને ગ્રુપોનું પરિણામ 14.05 ટકા, ગ્રુપ 1નું પરિણામ 14.17 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 22.16 ટકા આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ભારતનું પરિણામ 21.52 ટકા આવ્યું છે. જે સપ્ટેમ્બર 2024માં 19.67 ટકા હતું.
અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ નીરવ અગ્રવાલે અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું બંને ગ્રુપનું પરિણામ 21.94 ટકા, ગ્રુપ 1નું પરિણામ 8.12 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 31.56 ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024માં આ પરિણામ અનુક્રમે 3.80 ટકા, 12.07 ટકા અને 19.22 ટકાનું હતું.
સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે. જેમાં બ્રાન્ચમાંથી કોચિંગ લેનારી અમદાવાદની વિધિ તલાટીનો ૧૨મો ક્રમાંક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 23.16 ટકાનું આવ્યું છે. દેશભરનાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 21.52 ટકાનું છે.
પરિણામ આ રીતે જોઇ શકાશે
- સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર જાઓ.
- સ્ટેપ 2: હોમપેજ પર ‘CA ફાઉન્ડેશન પરિણામ’ અથવા ‘CA મધ્યવર્તી પરિણામ’ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3: હવે તમારો રોલ નંબર અને નોંધણી નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- સ્ટેપ 4: તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
- સ્ટેપ 5: પરિણામ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.