દુનિયામાં સુપર પાવર કહેનારો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકા હાલમાં આગની ઝપેટમાં આવી ગયુ છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ સતત વધી રહી છે. મળતી માહિતી મુજબ 5થી વધારે લોકોના મોત થયા છે. હોલિવૂડ સેલિબ્રિટીના ઘર પર ખાખ થઇ ગયા છે. આગ પર કાબૂ મેળવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ આગ તો વધતી જ જઇ રહી છે. ત્યારે આવો જાણીએ આ આગને કારણે અમેરિકાને કેટલું નુકસાન થયું.
કોઇ દેશની જીડીપી કરતા પણ વધારે નુકસાન
એવો અંદાજ છે કે સતત વધી રહેલી આગને પગલે લોસ એન્જલસને $50 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. આ રકમ ઘણા દેશોના GDP કરતા પણ વધુ છે. સરખામણી કરીએ તો આ રકમ માલદીવના GDP કરતા 8 ગણી વધારે છે. મહત્વનું છે કે યુએસ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ બનેલી આ ભયાનક ઘટના યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન માટે મોટો આંચકો છે.
આ આગ એટલી ભયંકર છે કે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 1 લાખથી વધુ લોકોને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત લોસ એન્જલસના હોલિવુડ હિલ્સમાં એક નવી આગ લાગી. આ પછી આ વિસ્તારમાંથી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા. પશ્ચિમ ભાગમાં પેલિસેડ્સ આગને કારણે લગભગ 15,832 એકર જમીનનો નાશ થયો છે. KTLA ટીવીના વિડીયોમાં પેસિફિક પેલિસેડ્સમાં ઘરોના બ્લોક સળગતા અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
50 અબજ ડોલરથી વધુનું નુકસાન
એક ખાનગી યુએસ આગાહીકા એક્યુવેદનએ બુધવારે 8 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ ઇતિહાસની સૌથી વિનાશક આગમાંની એક છે. શરૂઆતમાં નુકસાનનો અંદાજ $50 બિલિયનથી વધુ હતો. જ્યારે AccuWeatherનો અંદાજ છે કે આગને કારણે $52 થી $57 બિલિયનનું નુકસાન થયું છે.
ક્યારે લાગી હતી આગ ?
ઉલ્લેખનીય છે કે આગની ઘટના સૌપ્રથમ મંગળવારે 7 જાન્યુઆરીના રોજ સામે આવી હતી. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી છે.આગને કારણે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ 5 હજાર એકરથી વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આ વિસ્તાર લોસ એન્જલસની પૂર્વમાં, સાન્ટા મોનિકા અને માલિબુના દરિયા કિનારાના શહેરો વચ્ચે સ્થિત છે. ફિલ્મ, ટેલિવિઝન અને સંગીત ઉદ્યોગના ઘણા સ્ટાર્સ આ સ્થળે વસે છે.


