અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલોમાં આગ લાગી છે. આ આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયુ નથી પરંતુ આ ભીષણ આગમાં 10હજાર ઘરો બળીને ખાખ થયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આ અંગે એક NRIએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવાયુ કે અમે હજુ ખતરાની બહાર નથી કારણ કે પવન જોરદાર છે. અને મોટાભાગની આગ હજુ સુધી કાબુમાં આવી નથી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ભારે પવનને કારણે ફેલાઇ આગ
તેમણે વધુમાં જણાવ્યું કે આગ ભારે પવનને કારણે વધારે ફેલાઇ છે. આગ ઓલવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટ કાર્યશીલ છે. તેઓએ સ્થિતિ કંટ્રોલમાં લાવી દીધી છે પરંતુ પવન ઓછો ન થાય ત્યાં સુધી કંઇ કહી ન શકાય. આ એક એકાએક બનેલી ઘટના છે. તેનું કારણ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
અહીં આગ બેકાબૂ
- આ આગ સૌથી વધારે નુકસાન કરનારી સાબિત થઇ શકે છે. કારણ કે આગની ઝપેટમાં લોસ એન્જલસના અનેક મોંઘા એરિયા જેમ કે માલિબુ, પેસિફિક પેલિસેડ્સ, અલ્ટાડેના અને હોલીવુડ હિલ્સને વધારે અસર જોવા મળી છે. જ્યાં કરોડપતિ લોકો અને સેલિબ્રિટિઝના ઘર પણ આવેલા છે.
- આગ હજી સુધી કાબુમાં આવી નથી જેને લઇને ટ્રમ્પે રાજ્યના પાણીના ગેરવહીવટને આ આપત્તિ માટે જવાબદાર ઠેરવ્યો છે. જ્યારે બાઇડેન અને ટ્રમ્પે સંઘીય સરકાર દ્વારા તમામ ખર્ચ 100% આવરી લેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
અત્યાર સુધીમાં 10 લોકોના મોત
લોસ એન્જલસના મેયર કરેન બાસે કહ્યું કે અમને ડર છે કે આ આગ ઝડપથી ફેલાશે કારણ ભારે પવન છે. તેમણે એમ પણ જણાવ્યું કે લોસ એન્જલસ કાઉન્ટીના અધિકારીઓએ મંગળવારે રાત્રે લાગેલી ઇટૉન આગમાં 5 હજારથી વધારે ઇમારતો નાશ પામી હોવાનું જાહેર કર્યુ હતું. પેસિફિક પેલિસેડ્સના પશ્ચિમમાં લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી સૌથી મોટી આગમાં 5,300 થી વધુ ઇમારતોનો નાશ થયો છે.
બે જગ્યાએ આગ લાગી
ઇટૉન અને પેલિસેડ્સમાં લાગેલી આગથી 10,000 થી વધુ ઘરો નાશ પામ્યા હતા. કેનેથમાં આગ અલ. કૈમિનો રીઅલ ચાર્ટર હાઇ સ્કૂલથી 3.2 કિલોમીટરથી ઓછા અંતરે લાગી છે. જ્યાં લોકો પેલિસેડ્સમાં લાગેલી આગથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે. બંને આગની ઘટનાઓના સ્થળો લગભગ 18 કિલોમીટર દૂર છે. લોસ એન્જલસ અને તેની આસપાસ લાગેલી ભીષણ આગમાં બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂર અને પેરિસ હિલ્ટન સહિત અનેક સેલિબ્રિટીઓના ઘર બળીને રાખ થઈ ગયા છે.


