- તત્કાલીન IPSનું નામ ચગ્યા બાદ કોલ સેન્ટરમાં જોખમ ઉઠાવવા અન્ય IPS તૈયાર નથી
- હવે ગોવા, ચંદીગઢ, દિલ્હી અને નોઈડામાં ગુજરાતીઓના કોલ સેન્ટર
- તત્કાલીન IPSએ 300 કરોડ રૂપિયા ઘર ભેગા કર્યાની ચર્ચા
કોલ સેન્ટર રેકેટમાં 2018માં અમદાવાદના તત્કાલીન સિનિયર આઈપીએસની સંડોવણી હોવાની ચર્ચા બાદ આ મામલે અન્ય કોઈ આઈપીએસ અધિકારી જોખમ ઉઠાવવા તૈયાર ન હોવાથી તેની પર બ્રેક વાગી હતી. શહેરમાં કોલ સેન્ટર ચલાવતા જુના ખેલાડીઓએ પોલીસના ડરથી ચંદીગઢ, ગોવા, દિલ્હી અને નોઈડા ખાતે કોલ સેન્ટર શરૂ કર્યા છે. કેન્દ્રશાસીત પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવવાનો ભાવ દસ કોલ બેસાડવાનો હપ્તો પાંચ લાખ રૂપિયા હોવાની વિગતો મળી છે. જેના પગલે શહેર પોલીસના હથ્થે ચડેલા અને કોલ સેન્ટરના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલા અનેક શખ્સો બીજા રાજ્યમાં શિફ્ટ થયા છે. સીબીઆઈએ પણ આ માહિતીને પગલે દેશના અનેક રાજ્યોમાં જૂદા જૂદા સ્થળે તાજેતરમાં દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. અમદાવાદ શહેરમાં કેટલાક શખ્સો ખાનગીમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. બાતમી આધારે શહેર પોલીસ રેડ કરી કાર્યવાહી કાર્યવાહી કરતી હતી. બે વર્ષના ગાળામાં કોલ સેન્ટર રેકેટ સાથે સંકળાયેલા 60 જેટલા આરોપીઓની શહેર પોલીસે ધરપકડ કરી હતી.
2017 અને 2018ની સાલમાં અમદાવાદ શહેરમાં કોલ સેન્ટરોનો મોટાપાયે રાફડો ફાટયો હતો. આ કોલ સેન્ટરો પાછળ શહેરના તત્કાલીન સિનિયર આઈપીએસ અધિકારીની સંડોવણી ખુલી હતી. આ આઈપીએસનો વહીવટદાર સરદાર કોલ સેન્ટર સંચાલકો પાસેથી રોજરોજનો હપ્તો લેતો હતો. આમ, એક દિવસના રૂ. એક કરોડ આઈપીએસ અધિકારી ઘર ભેગા કરતા હતા, આમ કોલ સેન્ટર સંચાલકોને છત્રછાયા આપવામાં બદનામ થયેલા આઈપીએસ અધિકારીની બદલી કરી નાંખી હતી. પોલીસ પર આ મામલે ઘોંસ વધતા આઈપીએસ અધિકારીઓએ કોલસેન્ટરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દીધા હતા. જેના પગલે સંચાલકોએ અન્ય રાજ્યોમાં આશ્રાયસ્થાન લેવાનું શરૂ કર્યું હતું.
શહેરમાં કોલ સેન્ટર ચલાવતા નવા નિશાળીયાઓએ પોલીસથી ખાનગી રાહે વેપલો શરૂ કર્યો હતો. દરમિયાન 2022-23ના સમયગાળામાં અમદાવાદ શહેર પોલીસ, સાયબર ક્રાઈમ અને ક્રાઈમબ્રાંચે જુદા જુદા કોલ સેન્ટરો પર દરોડા પાડીને 60 જેટલા લોકોની ધરપકડ કરી હતી. તાજેતરમાં પોલીસે બોડકદેવના થલતેજમાં હેબતપુર-શેલા રોડ પર આવેલા વોલ્સ બિલ્ડીંગમાં ચાલતા કોલસેન્ટર પર ચાર દિવસ અગાઉ પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને છ લોકોની ધરપકડ કરી કુલ રૂ.3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજી તરફ સીબીઆઈની ટીમે પણ તાજેતરમાં સમગ્ર દેશમાં જૂદા જૂદા 24 સ્થળોએ સર્ચ કરીને 2.2 કરોડની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સીબીઆઈએ ઓકટોબર 2022માં એફબીઆઈના ઈનપૂટ આધારે દેશમાં 11 જેટલા કોલસેન્ટરો પર સાગમટે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી.
પાસાની કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાયો
કોલ સેન્ટર રેકેટમાં પકડાયેલા શખ્સો અગાઉ આસાનીથી કોર્ટમાંથી છૂટી જતા હતા. રાજ્ય સરકારે સાયબર ક્રાઈમને રોકવા માટે આઈટી એક્ટના ગુનામાં પકડાતા શખ્સો સામે પાસા મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આઈટી એક્ટમાં પકડાયેલા સાયબર ફ્રોડ કરતા શખ્સો સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામતા ફફડાટ ફેલાયો હતો.
તત્કાલીન IPSએ 300 કરોડ રૂપિયા ઘર ભેગા કર્યાની ચર્ચા
તત્કાલીન આઈપીએસ અધિકારીએ કોલ સેન્ટર રેકેડના સૂત્રધારોને છુટ્ટો દોર આપી 300 કરોડની કમાણી કર્યાની ચર્ચા પોલીસ બેડામાં છે. આ અધિકારીના સમયમાં પોલીસ અધિકારીઓ પોતાના વિસ્તારમાં કોલ સેન્ટર શરૂ કરાવવા માટે પડાપડી કરતા હતા. જો કે, કોલ સેન્ટર રેકેટમાં અધિકારીની સંડોવણીની ફરિયાદ દિલ્હી સુધી પહોંચતા તેઓની તત્કાળ અસરથી બદલી કરી દેવાઈ હતી.
બે વર્ષમાં 15થી વધુ કોલ સેન્ટર ઝડપાયા
અમદાવાદ શહેર પોલીસે 2022 અને 23ના સમયગાળામાં બે વર્ષમાં 15થી વધુ કોલ સેન્ટર ઝડપ્યા હોવાની વિગતો મળી છે. આ કોલ સેન્ટરો પર દરોડા પાડીને પોલીસે 60 આરોપીઓની ધરપકડ કરી હતી. કોલ સેન્ટર સંચાલકો પર થતી પાસાની કડક કાર્યવાહીને પગલે આરોપીઓને છ મહિનાથી વધુ સમય માટે જેલમાં રહેવું પડે તેવી સ્થિતી ઉભી થઈ હતી. 2022માં શહેર પોલીસ, ક્રાઈમબ્રાંચ, સાયબર ક્રાઈમે 11 કોલ સેન્ટરો પર દરોડા પાડી કેસ કર્યા હતા.


