- મોબાઇલ યૂઝર્સ માટે સરકારનો મોટો નિર્ણય
- ઓનલાઇન ફ્રોડ માટે કૉલ ફોરવ્ર્ડિંગના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવાયેલું પગલું
- ટેલિકોમ કંપનીઓને USSD કોડ્સના ઉપયોગથી કરાતું કૉલ ફોરવ્ર્ડિંગ બંધ કરવા આદેશ કર્યો
દેશમાં ઓનલાઇન ફ્રોડના વધી રહેલા કિસ્સા રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે તમામ ટેલિકોમ કંપનીઓને USSD કોડ્સના ઉપયોગથી કરાતું કૉલ ફોરવ્ર્ડિંગ બંધ કરવા આદેશ કર્યો છે. આ આદેશ અંતર્ગત 15 એપ્રિલ, 2024થી તમામ ભારતીયોના સ્માર્ટફોનમાં કૉલ ફોરવ્ર્ડિંગ સર્વિસ બંધ થઈ જશે. USSD કોડ એક શોર્ટ કોડ હોય છે, જે બેલેન્સ કે ફોનનો IMEI નંબર જાણવા માટે ડાયલ કરવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો USSD એવું ફીચર છે કે જેની મદદથી તમે તમારા ફોન પર જે-તે કોડ ડાયલ કરીને કોઈ સર્વિસ એક્ટિવ કે ઇનએક્ટિવ કરી શકો છો જ્યારે કૉલ ફોરવ્ર્ડિંગ સર્વિસ દ્વારા તમારા મોબાઇલ નંબર પર આવતા કૉલ કે મેસેજ અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ કરી શકાય છે.
સ્કેમર્સ લોકોને ફોન કરીને એમ જણાવતા હોય છે કે તેઓ ટેલિકોમ કંપનીમાંથી બોલી રહ્યા છે અને તેમના નંબર પર નેટવર્કની સમસ્યા છે, જે ઉકેલવા એક નંબર ડાયલ કરો. આ USSD નંબર કૉલ ફોરવ્ર્ડિંગ માટે છે. USSD કોડ દાખલ કર્યા પછી બધા કૉલ અને મેસેજ સ્કેમરના ફોન પર ફોરવર્ડ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્કેમર ઓટીપી મેળવીને તમારું બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે તેમજ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી શકે છે. કૉલ ફોરવર્ડ કરીને તમારા નામે અન્ય સિમકાર્ડ પણ મેળવી શકે છે.


