- આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના નજીકના મિત્રના ઘરે ગોળીબાર
- આ ઘટનાનું કનેક્શન હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે કનેક્શન
- હરદીપ નિજ્જર મર્ડર કેસને કારણે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે જૂનમાં કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે હરદીપ સિંહ નિજ્જરના નજીકના મિત્રના ઘરે ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બ્રિટિશ કોલંબિયા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે બ્રિટિશ કોલંબિયામાં સિમરનજીત સિંહના ઘરે ગુરુવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 1.20 વાગ્યે ગોળીબાર થયો હતો.
કાર પર કરવામાં આવ્યું ફાયરિંગ
બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું કે જે ઘરમાં ગોળીબાર થયો હતો તે ઘર હરદીપ સિંહ નિજ્જરના મિત્ર સિમરનજીત સિંહનું છે. પોલીસે પડોશીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા છે. ઘરની બહાર પાર્ક કરેલી કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે કારને નુકસાન થયું હતું. ઘર પર પણ ગોળીબાર કરાયો હતો. પોલીસનું કહેવું છે કે આ ઘટનાની હજુ તપાસ ચાલી રહી છે અને આ ઘટના પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.
ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તા મોનિન્દર સિંહનું કહેવું છે કે આ ફાયરિંગની ઘટનાને હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ સાથે કનેક્શન હોઈ શકે છે. આ ફાયરિંગમાં સિમરનજીત સિંહની છ વર્ષની દીકરીનો આબાદ બચાવ થયો હતો. મોનિંદરે 26 જાન્યુઆરીએ વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાન તરફી વિરોધનું આયોજન કરવામાં મદદ કરવાનો દાવો કર્યો હતો.
ભારત-કેનેડાના સંબંધો બગડ્યા
ગયા વર્ષે જૂન મહિનામાં સરેમાં હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જરને ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો અને તે ભારતમાં વોન્ટેડ હતો. હરદીપ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ હતો. હકીકતમાં, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન સંસદમાં દાવો કર્યો હતો કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ તપાસમાં સહયોગ માટે ભારતને અપીલ કરી હતી. જો કે, ભારતે કેનેડાના પીએમના દાવાને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત ગણાવ્યા હતા.


