કેનેડાના ટોરોન્ટોમાં આવેલા એક પબમાં ગોળીબારીની ઘટના બની છે. આ ફાયરિંગની ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે. આ ઘટના કેવી રીતે સર્જાઇ અને કોણ છે આરોપી તેના માટે પોલીસે તબપાસ શરુ કરી છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. જેને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ કોઇપણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.
ફાયરિંગનું કારણ શોધવાના પ્રયાસ
કેનેડાના ટોરોન્ટોમાં આવેલા એક પબમાં શુક્રવારે મોડી રાત્રે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઇવ નજીક રાત્રે 10:30 વાગ્યે બની હતી. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ગોળીબારમાં ઘણા લોકોને નાની અને ઘણી ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે પુષ્ટિ કરી છે કે, શંકાસ્પદ હુમલાખોર હજુ પણ ફરાર છે અને જવાબદાર વ્યક્તિને શોધવા માટે શોધ ચાલુ છે. ગોળીબાર કરનારની ઓળખ અથવા પીડિતો સાથેના તેના સંભવિત સંબંધો વિશે વધુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસે શરુ કરી હુમલાખોરની શોધખોળ
ઘટના બાદથી, પોલીસ અને અનેક એજન્સીઓ હુમલાખોરની શોધમાં રોકાયેલા છે. પોલીસ દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું હુમલાખોરને કોઈની સાથે અંગત દુશ્મની હતી જેના કારણે ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પબ અને પબ માલિક વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગોળીબારની ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ સમયે, સામાન્ય લોકો કરતાં રસ્તાઓ પર પોલીસ વધુ દેખાય છે.


