- ભારત આવતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
- ભારતમાં અજાણ્યા લોકો સાથે લો પ્રોફાઇલ રહેવા, પર્સનલ ઇન્ફર્મેશન શૅર ન કરવા સલાહ
- કેનેડિયન નાગરિકો ભારતમાં હોય તેમને અત્યંત સાવચેત રહેવા સલાહ
કેનેડાએ ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન આતંકી હુમલાનું જોખમ હોવાનું કહી તેના નાગરિકોને મે-જૂન દરમિયાન ભારતપ્રવાસ ટાળવા સલાહ આપી છે. કેનેડા સરકારે ભારત આવતા કેનેડિયન નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે અને લોકસભાની ચૂંટણી દરમિયાન જે કેનેડિયન નાગરિકો ભારતમાં હોય તેમને અત્યંત સાવચેત રહેવા કહ્યું છે.
એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ કેનેડામાં અને ભારતમાં તાજેતરના ઘટનાક્રમોના પરિપ્રેક્ષ્યમાં ટ્રેડિશનલ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં કેનેડા પ્રત્યે વિરોધ અને નેગેટિવ સેન્ટિમેન્ટ છે. કેનેડાવિરોધી પ્રદર્શનો સહિત દેખાવો થઇ શકે છે અને કેનેડિયનોની ધાકધમકી સાથે હેરાનગતિ થઇ શકે છે.
એડવાઇઝરીમાં કેનેડિયન નાગરિકોને ભારતપ્રવાસ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં અજાણ્યા લોકો સાથે લો પ્રોફાઇલ રહેવા, પર્સનલ ઇન્ફર્મેશન તેમની સાથે શૅર નહીં કરવા, એકલા ટ્રાવેલિંગ નહીં કરવા અને કોઇ ફેમિલી મેમ્બરને કે ફ્રેન્ડને પોતાના ટ્રાવેલ પ્લાનની જાણ કરવા જણાવાયું છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે આતંકવાદ અને ઉગ્રવાદના જોખમને ધ્યાનમાં રાખીને આસામ, મણિપુર જવાનું બને ત્યાં સુધી ટાળવું. એડવાઇઝરીમાં કેનેડિયન નાગરિકોને જમ્મુ-કાશ્મીર જવાનું પણ ટાળવા તાકીદ કરાઇ છે. એડવાઇઝરીમાં ઉમેર્યું હતું કે બેંગલુરુ, ચંડીગઢ અને મુંબઇમાં બિનજરૂરી ટ્રાવેલ ટાળવું. આ શહેરોમાં કે નજીકમાં રૂબરૂમાં કોન્સ્યુલર સર્વિસ હંગામી ધોરણે ઉપલબ્ધ નથી.


