ભારત અને કેનેડા વચ્ચે એકવાર ફરીથી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કેનેડાની સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ અનુસાર, ચીન અને ભારત ગેરકાયદે ફંડિંગ અને દુષ્પ્રચાર ઝૂંબેશ ચાલવી તેના દેશના પ્રવાસી સમુદાયોને પ્રભાવિત કરે છે. સીએસઆઈએસે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતે કેનેડાની આંતરિક રાજનીતિમાં પણ ડખલગીરી કરી છે. તે ફંડિગ અને બીજી મદદ કરી પોતાની પસંદના નેતાઓને કેનેડાની સંસદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર કેનેડાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં અને ખાલિસ્તાન ચળવળના સમર્થનને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે. મળતી માહિતી અનુસાર, આ રિપોર્ટને ‘કંટ્રી સમરીઝ’ નામ આપ્યું છે, જે ભારત પર અનેક આરોપો લગાવે છે.
‘દખલગીરીની રમત ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા
અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકાર નામાંકન પ્રક્રિયામાં હસ્તક્ષેપ સહિત તેની પસંદગીના ઉમેદવારોની તરફેણ કરે છે. ભારત સરકાર અહીંથી દખલગીરી શરૂ કરે છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખુલાસો સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ અને સંઘીય વિભાગો પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યો છે.
કેનેડાના વડાપ્રધાને ગત વર્ષે આક્ષેપ મૂક્યો હતો
ઉલ્લેખનીય છે કે, કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ ગત વર્ષથી પડવા લાગી હતી. ત્યારે 18 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સીનો હાથ છે. તેમને એવું પણ કહ્યું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા વચ્ચે શક્ય સંબંધની વિશ્વનીયતા આરોપોની સઘન તપાસ કરી રહી છે. આ નિવેદન બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા.


