- આ નિયમ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ એક સપ્તાહમાં ફક્ત 24 કલાક જ કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે
- અગાઉ વિદ્યાર્થીઓને 20 કલાક કરતાં વધારે કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી
- કેનેડિયન બ્યૂરોના 2022ના એક રિપોર્ટ અનુસાર કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતાં
કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ હવે વિદેશી વિદ્યાર્થીઓ એક સપ્તાહમાં ફક્ત 24 કલાક જ કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. આ નિયમ પહેલી મેથી લાગું થઈ રહ્યો છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર 20 કલાક કરતાં વધારે કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કેનેડિયન મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેના કેમ્પસની બહાર 20 કલાક કરતાં વધારે કલાક માટે કામ કરવાની કામચલાઉ મંજૂરીની અવધી 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે. તેને વધારે લંબાવવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા દર સપ્તાહે કેમ્પસની બહાર કામ કરવાની સંખ્યાને 24 કલાકમાં બદલવાનો છે. નોંધનીય છે કે કોરોના રોગચાળા દરમિયાન કેનેડિયન સરકારે સપ્તાહમાં 20 કલાક કામ કરવાની મર્યાદાને કામચલાઉ ધોરણે હટાવી લીધી હતી. જો કે આ છૂટ મંગળવારે સમાપ્ત થઈ ગઈ છે. કેનેડિયન બ્યૂરોના 2022ના એક રિપોર્ટ અનુસાર કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતાં. ભારતીય વિદ્યાર્થીઓ કેમ્પસની બહારની નોકરીઓ પર વધારે ફોકસ કરતાં હોય છે. મિલરના જણાવ્યા અનુસાર 24 કલાકની જ મંજૂરી આપવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનો છે. રિપોર્ટ્સ અનુસાર સપ્તાહમાં 28 કલાકથી વધુ કામ કરનારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં મોટો ઘટાડો થયો હતો.
વધુ કામ કરતા વિદ્યાર્થીઓના દેખાવમાં ઘટાડો નોંધાતા નિર્ણય લેવાયો
કેનેડાની સરકારે કામકાજના કલાકમાં ઘટાડો કરવાના નિયમ અંગે કહ્યું કે – 28 કલાકથી વધુ કામ કરતા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક દેખાવ નબળો પડી રહ્યો છે. આ કારણે સરકારે તેમના હિતમાં જ આ નિર્ણય લીધો હોવાનું સરકારે જણાવ્યું છે.


