- કેનેડા જવા માગતાં વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી શકે
- કેનેડા સરકાર પૂરતા આવાસ ઉપલબ્ધ ન કરાવી શકતી હોવાથી ટીકાનો સામનો કરી રહી
- કેનેડા જવા માગતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા
કેનેડા જવા માગતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર કેનેડા હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર એક મર્યાદા લાગુ કરવા વિચારી રહ્યું છે. આ અંગેની જાણકારી આપતાં કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે કેનેડામાં રહેવાની અનુમતી ધરાવતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર એક સીમા લગાવવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે સરકારને પૂરતા આવાસ ઉપલબ્ધ કરાવવાના સામર્થ્યના સંકટ માટે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે કેનેડા પોતાના અર્થતંત્રને ચલાવવા તથા વધતી જતી વસતીનું સમર્થન કરવા માટે ઈમિગ્રેશન પર નિર્ભર છે તથા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વાર્ષિક ઇમિગ્રેશન વધારી રહ્યા છે. જો કે બીજી તરફ આવાસ સંકટ માટે ઇમિગ્રાન્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને જવાબદાર માનવામાં આવે છે. એક તરફ વધતી જતી વસતીના કારણે ઘરોની માંગમાં વધારો થયો છે અને બીજી તરફ ફુગાવાના કારણે નિર્માણ કામગીરી ધીમી ચાલી રહી છે. આ અંગે વધારે માહિતી આપતાં મિલરે જણાવ્યું હતું કે લિબરલ સરકાર આ વર્ષે પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સની સંખ્યા પર મર્યાદા મૂકવા વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત, પંજાબ સહિત ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જતા હોય છે. જો કેનેડા સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ નિયંત્રણ લાદવામાં આવે તો તેમને અસર થઈ શકે છે.
વાસ્તવિક આંકડા શું કહે છે?
જો આપણે આંકડાની વાત કરીએ તો સત્તાવાર ડેટા અનુસાર 2022માં સક્રિય વિઝા ધરાવતાં આઠ લાખથી વધારે વિદેશી સ્ટુડન્ટ્સ હતાં જેઓ 2012માં 2.75 લાખની આસપાસ હતાં. લિબરલ સરકારે ગયા ઓગસ્ટમાં વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યા પર મર્યાદા મૂકવાની દરખાસ્ત મૂકી હતી જો કે ત્યારે આવાસ મંત્રી સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી આ વિકલ્પ પર આગળ વધવાનો નિર્ણય કર્યો નથી.


