પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્યા છે. ભારત G-7નું સભ્ય નથી, છતાં કેનેડાના પ્રધાનમંત્રીના આમંત્રણ પર ભારત આઉટરીચ પાર્ટનર તરીકે તેમાં ભાગ લઈ રહ્યું છે.
આને છેલ્લા કેટલાક સમયથી ભારત-કેનેડા સંબંધોમાં રહેલી કડવાશ દૂર કરવાની તક તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારતીયો કેનેડાને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે આના પાંચ મુખ્ય કારણો શું છે? કેનેડિયન નાગરિકતા કેવી રીતે મળે છે? દર વર્ષે કેટલા ભારતીયો કેનેડા જાય છે અને કેટલા ત્યાં રહે છે?
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. બ્રિટિશ ઈન્ડિયાના યુગના ડોક્યુમેન્ટ મુજબ કેનેડામાં ભારતીયોના આગમનનો પહેલો રેકોર્ડ 1903 અથવા 1904નો છે. ત્યારે દક્ષિણ એશિયામાંથી કેટલાક ઈમિગ્રન્ટ્સ વૈંકુવર ગયા હતા. તેમાં મોટી સંખ્યામાં શીખ હતા જે પંજાબથી ગયા હતા. કેનેડામાં ભારતીયોની સંખ્યા લગભગ 18 લાખ છે. કેનેડાની કુલ વસ્તીમાં ઈમિગ્રન્ટ ભારતીયોનો હિસ્સો 5.1 ટકા છે.
કેનેડા કેમ જાય છે ભારતીયો, જાણો 5 મોટા કારણો
1. વર્લ્ડ લેવલ એજ્યુકેશન સિસ્ટમને માન્યતા
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા હંમેશા અભ્યાસ માટે પ્રિય દેશ રહ્યો છે. કેનેડાની શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક સ્તરે વધુ સારી માનવામાં આવે છે. ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ મુજબ શિક્ષણ કેનેડા અને ભારત વચ્ચે પરસ્પર સંબંધોનું એક મુખ્ય ક્ષેત્ર છે. ભારત કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક છે. અભ્યાસ વિઝાની ઉપલબ્ધતા પણ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષે છે.
2. પ્રોફેશનલ્સને વધુ તક
કેનેડામાં રોજગારની સારી તકો પણ છે. આઈટી, હેલ્થ અને કુશળ ટ્રેડર્સના ક્ષેત્રમાં સારો અવકાશ છે. પગાર સારો છે અને કરિયરમાં પ્રગતિ કરવાની ઘણી તકો છે. કેનેડાની નીતિઓમાં ઘણા ફેરફારો હોવા છતાં, આ બધી બાબતો ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અભ્યાસ પછી વિદ્યાર્થીઓને ત્યાં સારી નોકરીઓ અને સ્થિરતા મળે છે. તેથી જ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં જાય છે.
3. સુરક્ષિત અને સ્થિર દેશ
એવું માનવામાં આવે છે કે કેનેડા ખૂબ જ સુરક્ષિત અને રાજકીય રીતે સ્થિર દેશ છે. તે એવા લોકોને સપોર્ટ કરે છે જેઓ સારા ભવિષ્યના નિર્માણની આશા સાથે વિદેશ જાય છે. એટલા માટે મોટી સંખ્યામાં ભારતીયો પોતાનું નવું જીવન શરૂ કરવા માટે ત્યાં જાય છે. કેનેડા દર વર્ષે ઓછામાં ઓછા 4.31 લાખ કાયમી વિદેશી રહેવાસીઓને દેશમાં તક આપવા માટે તૈયાર છે. એટલા માટે ત્યાં જતા લોકો માટે તે સરળ બને છે.
4. પરમેન્ટ રેસીડેન્સી મેળવવામાં સરળતા
સૌથી મહત્વની વાત એ છે કે જો તમે પાંચ વર્ષ સુધી કેનેડામાં શાંતિથી રહો છો, તો તમને ત્યાં પરમેન્ટ રેસીડેન્સી (PR) મળી શકે છે. આ પછી, નાગરિકતા પણ સરળતાથી મેળવી શકાય છે.
5. કેનેડામાં મળતી સુવિધાઓ
કેનેડા પણ તેના નાગરિકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે, ભલે તેઓ બહારથી આવ્યા હોય. ઉદાહરણ તરીકે, બધા વૃદ્ધોને ત્યાંની સરકાર તરફથી સારું પેન્શન મળે છે. પ્રાથમિક સ્તરે શિક્ષણમાં છૂટછાટ, પરિવહનના સાધનો અને અન્ય સુવિધાઓ કોઈપણને આકર્ષવા માટે પૂરતી છે.
કેનેડિયન નાગરિકતા કેવી રીતે મેળવવી?
કેનેડિયન નાગરિક બનવા માટે, વ્યક્તિએ પહેલા પરમેન્ટ રેસીડેન્સી (PR) મેળવવું પડશે. શરત એ છે કે વ્યક્તિએ પાંચ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સતત કેનેડામાં રહેવું પડશે અને ત્રણ વર્ષ ત્યાં ટેક્સ ચૂકવવો પડશે. આ પછી, વ્યક્તિ કેનેડિયન નાગરિકતા માટે અરજી કરી શકે છે. અંગ્રેજી અને ફ્રેન્ચનું નોલેજ પણ જરૂરી છે. કેનેડાના લેગ્વેંજ બેન્ચમાર્ક મુજબ અંગ્રેજી ભાષામાં નિપુણતા લેવલ 4 નો હોવો જોઈએ.
નાગરિકતા માટે અરજી કર્યા પછી, વ્યક્તિએ સિટીઝનશિપ ટેસ્ટ પાસ કરવો પડશે. આમાં, કેનેડિયન નાગરિકોના અધિકારો અને જવાબદારીઓ તેમજ તેના ઈતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર, કાયદો અને સરકાર વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. નાગરિકતા સાથે, વ્યક્તિને મતદાનનો અધિકાર અને પાસપોર્ટ પણ મળે છે, પરંતુ પીઆર ધારકો ત્યાં મતદાન કરી શકતા નથી.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.