રાજકોટમાં ૧૬, જામનગરમાં ૨૪, અમરેલીમાં ૧૧ ફોર્મ ભરાયા : એક પણ ક્ષત્રિય ઉમેદવારી થઇ નથી
તા.૧૯મીએ ઉમેદવારી પત્રો ભરવાની આખરી તારીખે જે ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાની હતી તે નોંધાઇ ગઇ છે અને ઉમેદવારીનું આખરી ચિત્ર જાહેર થઇ ગયું છે. હવે તા.૨૨મીએ ફોર્મ પાછા ખેંચ્યા બાદ મેદાનમાં કયા ઉમેદવારો રહેશે તેનું આખરી ચિત્ર આવશે. ગઇકાલે રાજકોટમાં ૧૬, જામનગરમાં ૨૪, અમરેલીમાં ૧૧ ફોર્મ ભરાયા હતા. ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં ફોર્મ ઉપાડયા હતા. પરંતુ તેમની એકપણ ઉમેદવારી નોંધાઇ નથી તે નોંધનીય છે.
રાજકોટમાં કૂલ ૧૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે પરંતુ, જેમના નામે મેન્ડેટ અપાયો છે તે રૂપાલા-ધાનાણી ચૂંટણી લડશે જ્યારે અન્ય બે ડમી ઉમેદવારો ડો.વસાવડા અને કુંડારિયાના ફોર્મ આપોઆપ રદ થશે. ક્ષત્રિયો ૨૦૦થી વધુ ફોર્મ ઉપાડયા હતા પરંતુ, આજે બપોર પછી તંત્ર દ્વારા જારી ૧૬ ઉમેદવારોની નામાવલિમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં એક પણ ક્ષત્રિયનું ફોર્મ ભરાયું નથી.
જામનગર લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત ૨૪ ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યું છે. જેમાં આજે ભાજપમાંથી પુનમબેન માડમે ઉમેદવારી નોંધાવી હતી જયારે બ્રિજરાજસિંહ જાડેજાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે.પી.મારવીયા મેદાને ઉતર્યા છે અને વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
અમરેલીમાં ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં કોંગ્રેસના ૨ ઉમેદવારોએ ૭ ફોર્મ ભર્યા છે. ભાજપ ઉપરાંત બ.સ.પા.એ અહીં પણ ઉમેદવારી નોંધાવી છે. દિવ, દમણ લોકસભાની બેઠક ઉપર ભાજપના લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી જો કે દિવથી અહેવાલ મૂજબ ધાર્યા મૂજબ મેદની, સમર્થકો ઉમટ્યા ન્હોતા.
ઉલ્લેખનીય છે કે આ ફોર્મ ભરનારા ઉમેદવારો તા.૨૨ સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચો શકે છે અને સોમવારે સાંજે આખરે કોની કોની વચ્ચે ચૂંટણી લડાશે તે સ્પષ્ટ થશે. પરંતુ, એકંદરે મુખ્ય જંગ સીધો ભાજપ-કોંગ્રેસ વચ્ચે રહેશે.


