- પોલીસે કાર, દારૂ સહિત 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- ફતેહપુરા સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરી જતી એક કાર ઝડપી પાડી હતી
- વિદેશી દારૂની હેરાફેરી થનાર હોવાની બાતમી મહેસાણા LCB ટીમને મળી હતી
મહેસાણા LCB ટીમે બાયપાસ હાઇવે રોડ પર આવેલ ફતેહપુરા સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરી જતી એક કાર ઝડપી પાડી હતી. કારમાંથી 645 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 2,26,170ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. મહેસાણા નજીકથી પસાર થતા બાયપાસ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી થનાર હોવાની બાતમી મહેસાણા LCB ટીમને મળી હતી. જે આધારે PSI અને તેમની ટીમ દ્વારા ફતેહપુરા સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસની વોચ દરમિયાન ઉંજા તરફ થી આવતી GJ27AA 3763 નંબરની એક શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. જ્યાં પોલીસને જોઈ રાત્રીના અંધારાનો લાભ લઇ કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. જ્યારે કારમાં તપાસ કરતા પોલીસને 645 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે આધારે પોલીસે કાર અને દારૂ સહિત કુલ 2,26,170ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ આદરી હતી.


