- ઉત્તરપ્રદેશ,જમ્મુ અને હરિયાણામાં 12 લોકોનાં મૃત્યુ
- હિમપ્રપાત, ભેખડો ધસી પડતાં 500થી વધુ રસ્તા બંધ
- ઉત્તર પ્રદેશમાં વીજળી ત્રાટકતાં 6, હરિયાણામાં બે, કાશ્મીરમાં 4 મૃત્યુ
શિયાળો વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે તેવામાં મેદાનોથી માંડીને પહાડો સુધી વરસાદ અને બરફવર્ષાએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. મેદાની પ્રદેશમાં કરાનો વરસાદ થતાં લોકોની મુશ્કેલી વધી છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વરસાદને કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાએ 12 લોકોનો ભોગ લીધો છે. લખીમપુર ખીરી, હરદોઈ, સીતાપુર, ગોંડા, અયોધ્યા અને શાહજહાંપુરમાં વીજળી ત્રાટકતાં 6 લોકોનાં મૃત્યુ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં રિયાસી ખાતે ભારે વરસાદમાં મકાન ધરાશાયી થતાં એક મહિલા અને ત્રણ બાળકીઓ સહિત ચારનાં મૃત્યુ થયા હતા. ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. હરિયાણામાં પણ ખેતરમાં કામ કરી રહેલા માતા-પુત્રી પર વીજળી ત્રાટકતાં બંનેનાં મૃત્યુ થયા હતા.
હિમાચલપ્રદેશમાં હિમપ્રપાતને કારણે ચિનાબ નદીનું વહેણ અટકી ગયું છે. વરસાદ અને બરફવર્ષાને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 500થી વધુ રસ્તા બંધ પડયા છે. ભેખડો ધસી પડતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર રવિવારે બીજા દિવસે પણ ટ્રાફિક બંધ રહ્યો. દિલ્હીમાં પણ વાદળો ઘેરાયેલા રહેતાં અને વરસાદ પડતાં હવામાન શુષ્ક રહ્યું.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યા મુજબ ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં પિૃમી વિક્ષોભની સ્થિતિ અને પંજાબ આસપાસના વિસ્તારમાં નીચા દબાણની સ્થિતિને કારણે હિમાચલ, લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા થઈ છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને સિક્કીમમાં વાવાઝોડાની સાથોસાથ કરા પડયા હતા. પંજાબ, હરિયાણા, ચંડીગઢ,દિલ્હી,મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પિૃમ બંગાળ અને ઓડિશામાં પણ કેટલાક સ્થાને મધ્યમ વરસાદ પડયો છે.
ઉ.પ્રદેશ : પાકોને નુકસાન, 24 કલાકમાં વળતરના આદેશ
ઉત્તરપ્રદેશમાં ખરાબ હવામાન અને કરા પડવાને કારણે સરસવ, વટાણા, મૈસૂર, ઘઉં, ચણા જેવા પાકને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સર્વે કરીને 24 કલાકમાં ખેડૂતોને વળતર ચૂકવવાના આદેશ કર્યા છે. બીજી માર્ચ સુધીમાં 7,020 જેટલા ખેડૂતો વળતર મેળવવા અરજી કરી ચૂક્યા છે.


