જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ હવે બની શકશે સરળતાથી ચાર્ટર્ડ એકાઉન્ટ : ધોળકિયા સ્કૂલમાં એકાઉન્ટિંગ મ્યુઝીયમના ઉદઘાટનમાં ચેરમેને વ્યકત કરેલો વિશ્વાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવાની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.500 કરોડનું સ્કોલરશીપ ફંડ રિલીઝ થયાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઓફિસ ઓટોમેશન, લીટીગેશન અને કેપિટલ માર્કેટમાં AI નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપવા માટે કોન્ફરન્સ યોજાઇ હતી.
વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ચેરમેન CA કેતન સૈયાએ જણાવ્યું હતુ કે, WIRCની રાજકોટ બ્રાન્ચની મહત્વની વિઝિટમાં આવ્યા છીએ. અમે ધોળકિયા સ્કૂલમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. જે દર્શાવે છે કે ભારતમાં જ સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી. મને આશા છે કે આ એકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે.
તેમણે જણાવ્યું કે આજે અમે AI વિષય પર એક દિવસની કોન્ફરન્સ કરી છે જેમાં અમે બતાવીએ છીએ કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ થાય છે. ઘણા બધા કાર્ય જેમાં ખૂબ જ સમય વેડફાઈ જાય છે તે કાર્યો AIની મદદ થી સરળતાથી થઈ શકે છે.
CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ભારતમાં CA ઇન્સ્ટિટ્યૂટની 180થી વધુ બ્રાન્ચ છે. જેમાં દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ. જેમાં નાના ઉદ્યોગકારોને સબસીડી, GST કે ઇન્કમટેક્સ અંગે કોઈ માહિતી જોઈતી હોય તો આપીએ છીએ. આ ઉપરાંત ભારતમાં અમે ટેક્સ અને ફાઇનાન્સની જાગૃતિ ડ્રાઇવ ચલાવીએ છીએ. આ ઉપરાંત હાલમાં વધી ગયેલા સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતગાર કરીએ છીએ. જેસી લોકો પોતાના ઓટીપી, પાસવર્ડ કે આધાર નંબર અજાણ્યા વ્યક્તિઓને ન મોકલે. આ ઉપરાંત કરિયર કાઉન્સિલિંગના લેક્ચર આપીએ છીએ જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, CA ઇન્સ્ટિટયૂટની વેસ્ટર્ન બ્રાંચમાં અમે ટ્રેઈન અર્ન એન્ડ લર્ન કોર્સ શરૂ કર્યો છે. કોમર્સનો કોઈ વિદ્યાર્થી આ કોર્સ કરે તો ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અને એજ્યુકેશન વચ્ચેનો ગેપ બ્રિજ થાય છે. જેમાં ઇન્કમટેક્સ રિટર્ન, GST અને TDS કઈ રીતે ફાઇલ કરવુ તેની માહિતી મળે છે આ સાથે જ વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ટ્રેનિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આપવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીઝમાં જશે તો તેને ખૂબ જ ફાયદો થશે.


