- ગોગામેડી હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી
- FIRમાં પૂર્વ સીએમ ગેહલોત અને DGP પર લગવાયા આરોપો
- સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની દાખલ કરાવી ફરિયાદ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે. પરંતુ પોલીસે આ મામલે UAPA હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં નોંધાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યના DGPના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના પર સુરક્ષા આપવામાં બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
FIR માં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનના તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને પત્ર લખીને ત્રણ વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચના રોજ ગોગામેડી માટે સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેમને જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી. આ FIR ગોગામેડીની પત્ની શીલા શેખાવતે નોંધાવી છે.
FIR માં ગોગામેડીના પત્નીએ દાવો કર્યો છે કે 14 ફેબ્રુઆરી 2023ના રોજ પંજાબ પોલીસે રાજસ્થાનના DGPને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, 14 માર્ચ, 2023 ના રોજ, ATS જયપુરે ADGP (ઇન્ટેલીજન્સ) ને પણ આ અંગે જાણ કરી હતી. પત્નીએ આરોપ લગાવ્યો છે કે આટલા ઈનપુટ મળવા છતાં સીએમ ગેહલોત અને DGP સહિતના જવાબદાર અધિકારીઓએ જાણીજોઈને ગોગામેડીને સુરક્ષા આપી નથી.
FIRમાં પત્નીએ આરોપ લગાવ્યો છે કે 5 ડિસેમ્બરની બપોરે એક પ્લાનિંગના ભાગરૂપે સશસ્ત્ર લોકો તેના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોરો એકબીજાને રોહિત રાઠોડ અને નીતિન ફૌજીના નામથી બોલાવતા હતા. થોડીવાર બાદ તેઓએ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ ફાયરિંગમાં ગોગામેડી અને નવીન શેખાવતનું મોત થયું હતું.
UAPA હેઠળ શા માટે કેસ દાખલ કરાયો?
FIR અનુસાર, ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી છે, જે વિદેશમાં છુપાયેલો છે. આ ઘટનામાં સંપત નેહરા અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામ પણ સામે આવી રહ્યા છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે આ હત્યામાં વિદેશી આતંકવાદીઓની લાંબી ચેઇન છે, જેની ઊંડી તપાસની જરૂર છે.
તમને જણાવી દઈએ કે જયપુરમાં મંગળવારે બે હુમલાખોરો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીથી ઘાયલ થયેલા ગોગામેડીનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટના દરમિયાન હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી અને ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. રોહિત ગોદારા ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે.


