- સલમાનના ઘરે ફાયરિંગની ઘટના મામલે પોલીસની મોટી કાર્યવાહી
- પોલીસે ફાયરિંગ કરનાર 2 આરોપીઓની કરી હતી ધરપકડ
- ફાયરિંગના થોડા સમય પહેલા જ મળી આવી હતી બંદૂક
સલમાનના ઘરે ફાયરિંગની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સલમાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. જો કે તેમના ઘરે ફાયરિંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. પોલીસે ફાયરિંગ કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ હથિયાર સપ્લાય કરનાર વ્યક્તિને શોધી રહી છે. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે સવારે લગભગ 5 વાગ્યે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી.
ફાયરિંગના થોડા સમય પહેલા જ બંદૂક મળી આવી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સલમાન ખાનના ઘરે ગોળીબારના કલાકો પહેલા જ શૂટરોને બંદૂક સપ્લાય કરવામાં આવી હતી. આ બંદૂક 13 એપ્રિલની રાત્રે બાંદ્રા વિસ્તારમાં જ સપ્લાય કરવામાં આવી હતી. આ પછી, 14 એપ્રિલની વહેલી સવારે, બંને શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાએ સલમાનના ઘરે ગોળીબાર કર્યો. હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શૂટર્સને હથિયાર સપ્લાય કરનાર વ્યક્તિને શોધી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ પણ સલમાનના ઘરે ફાયરિંગમાં વપરાયેલી બંદૂકને શોધવામાં વ્યસ્ત છે.
આરોપીઓ બિહારના રહેવાસી
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ગોળીબારના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા અને સાગર પાલ છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે.
લોરેન્સ બિશ્નોઈના ભાઈનું નામ સામે આવી રહ્યું છે
સલમાનના ઘરે ફાયરિંગના કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈનું નામ સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાનના ઘર પર હુમલો લોરેન્સ વિશ્નોઈના ભાઈ અનમોલ વિશ્નોઈએ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં સલમાનની ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો, જેમાં બિશ્નોઈ ગેંગે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


