– સરહદપાર પેમેન્ટસ કરવામાં સીબીડીસી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે તેવી ગણતરી
Updated: Oct 29th, 2023
મુંબઈ : સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના દેશમાં વિસ્તરણ માટે હાથ ધરાયેલા પ્રાયોગિક પ્રોજેકટસના પરિણામો આશાસ્પદ જોવા મળી રહ્યા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતુ.
સરહદપાર પેમેન્ટસ કરવામાં સીબીડીસી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સીબીડીસીનો પ્રાયોગિક પ્રોજેકટસ શરૂ કરાયો તેને લગભગ એક વર્ષનો સમયગાળો થઈ ગયો છે.
આ ગાળા દરમિયાન તેને મળેલો પ્રતિસાદ અમારી અપેક્ષાથી વધુ છે. સરહદપાર પેમેન્ટસ માટે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સીબીડીસી એક અસરકારક તથા સક્ષમ માધ્યમ બની શકે છે તેનો અમને વિશ્વાસ બેસી ગયો છે.
પ્રાયોગિક પ્રોજેકટમાં લાખો ગ્રાહકો જોડાયાછે મોટાભાગની મોટી બેન્કો તેની સાથે સંકળાઈ ગઈ હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું.
રેમિટેન્સિસ પાછળ આજે પણ સરેરાશ છ ટકા જેટલો ખર્ચ થાય છે એમ વર્લ્ડ બેન્ક તથા અન્ય એજન્સીઓના આંકડાને ટાંકીને દાસે જણાવ્યું હતું. તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા.
આજના ટેકનોલોજીના જમાનામાં રેમિટેન્સિસ પાછળના ખર્ચમાં ઘટાડો થાય તે જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.