- બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પર સારું રિઝલ્ટ અને ટકા લાવવાનું દબાણ ઘટશે
- વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકશે
- ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુ.થી 10 એપ્રિલ વચ્ચે લેવામાં આવશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નાં પરીક્ષાર્થીઓ માટે વર્ષ 2024નાં શિક્ષણ વર્ષ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. CBSE એ તેની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર મૂકેલા નોટિફિકેશન મુજબ વર્ષ 2024માં CBSE બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12નાં પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ રેન્ક કે ડિવિઝન કે એગ્રીગેટ માક્ર્સ આપવામાં આવશે નહીં. નવી શિક્ષણ નીતિ 2020માં અમલમાં મૂકવામાં આવ્યા પછી શિક્ષણ ક્ષેત્રે ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરનો ભણતરનો ભાર ઘટાડવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. CBSE બોર્ડનાં આ પગલાંથી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પર વધુ ટકા કે માક્ર્સ લાવવાનું દબાણ ઘટશે. વિદ્યાર્થીઓ વધારે સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશે. બોર્ડનાં આ પગલાંથી વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન આપવાની સિસ્ટમમાં પણ મહત્ત્વના ફેરફાર આવશે. CBSE દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવાનું તો ઘણાં સમયથી બંધ કરવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 10મી એપ્રિલ 2024 વચ્ચે લેવામાં આવશે. હાલ બોર્ડનાં વિદ્યાર્થીઓ ડેટશીટ જાહેર કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.
કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે?
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓને કોઈ ગ્રેડ કે એગ્રીગેટ માર્ક્સ ડિવિઝન કે ડિસ્ટિંક્શન આપવામાં નહીં આવે તો તેવા સંજોગોમાં કોલેજોમાં એડમિશન કેવી રીતે અપાશે તે પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. જો કે બોર્ડનાં નોટિફિકેશનમાં જણાવાયું છે કે કોઈ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં 5 કે તેથી વધુ વિષયો રાખ્યા હોય તો સર્વોત્તમ પાંચ વિષયો નક્કી કરીને તેના આધારે કોલેજમાં એડમિશન આપવામાં આવશે. કયા વિષયોને મહત્ત્વ આપવું અને સર્વોત્તમ ગણવા તે જે તે કોલેજોએ નક્કી કરવાનું રહેશે.


