- હાઈકોર્ટ જજના હુકમ છતાં હાઈકોર્ટની રજિસ્ટ્રીએ પાલન જ ન કર્યું
- એડ્વોકેટ ધર્મેશ ગુર્જરના લાંચ કેસમાં હાઈકોર્ટના જ રેકોર્ડમાં ચેડાં
- અગાઉ રજિસ્ટ્રારના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો હાઇકોર્ટના ધ્યાને આવ્યો હતો
ડીઆરટીના એક કેસ મામલે લાંચ કેસમાં સડોવાયેલા એડવોકેટ ધર્મેશ ગુર્જરના કેસની સુનાવણી ના થાય તે માટે હાઇકોર્ટના રેકર્ડ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફુલફ્લેજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે કરેલા હુકમ છતાં તેનું હજુ સુધી પાલન નહી થતાં હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, આ કોર્ટે અગાઉ તા.8-11-2023ના રોજ સીસીટીવી લગાવવાનો હુકમ કર્યો હતો પરંતુ રજિસ્ટ્રારના રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, આટલો ગંભીર બનાવ બન્યા બાદ પણ હજુ સુધી આ દિશામાં (સીસીટીવી લગાવવા મામલે) કોઇ પ્રગતિશીલ કાર્યવાહી થઇ નથી. આવી પરિસ્થિતિ વધુ સમય માટે કોઇપણ સંજોગોમાં સાંખી શકાય નહી.
હાઈકોર્ટે વધુમાં રજિસ્ટ્રાર જનરલને ઉદ્દેશીને જણાવ્યું કે, રજિસ્ટ્રાર જનરલે રજિસ્ટ્રાર (એસસીએમએસ અને આઇસીટી) , રજિસ્ટ્રાર (વિજિલન્સ) અને રજિસ્ટ્રાર (જયુડીશીયલ)ની મદદ લઇ હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસના એડિશનલ સેક્રેટરીના સલાહ મસલત કરી રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી. રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના દરેક ટેબલ પર સીસીટીવી કાર્યરત રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી. હાઇકોર્ટે સીસીટીવી લગાવવા અંગેની પ્રક્રિયા તા.15મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી. અગાઉ રજિસ્ટ્રારના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો હાઇકોર્ટના ધ્યાને આવ્યો હતો કે, રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફુલફ્લેજ સીસીટીવી કેમેરા પણ નથી. ચોક્કસ સ્થળોએ સીસીટીવી લગાવાયા છે પરંતુ બાકીના સ્થળોએ ખાસ કરીને દરેક ટેબલે અને દરેક ખૂણામાં સીસીટીવી લગાવવા અંગે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ માટે રાજય સરકાર, હાઇકોર્ટની સંબંધિત કમીટી સહિતના સત્તાવાળાઓની જરૂરી મંજૂરી લઇ પ્રક્રિયા પૂર્ણ કરવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રેકટીસીંગ એડવોકેટ હોવા છતાં અને કોર્ટ કમિશનર રહેવા દરમ્યાન રૂ. બે લાખની લાંચના કેસમાં સંડોવાયેલા એડવોકેટ ધર્મેશ જીવણલાલ ગુર્જરને ગુજરાત બાર કાઉન્સીલે છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.


