- PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક
- આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરાઇ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ બેઠકમાં રહ્યા હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. મળતી મહિતી અનુસાર, બેઠકમાં ‘વિકસિત ભારત 2047’ માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળની મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ‘વિકસિત ભારત 2047’ માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં શું થઇ ચર્ચા?
સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં મે 2024માં નવી સરકારની રચના બાદ યોજનાઓ પર તાત્કાલિક પગલાં લેવા માટે 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કરવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. તેમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, નાગરિક સમાજ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી અને યુવાનોના મંતવ્યો અને સૂચનો સામેલ હતા. આ માટે વિવિધ સ્તરે 2700 થી વધુ બેઠકો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 લાખથી વધુ યુવાનો પાસેથી સૂચનો મળ્યા હતા. ‘ડેવલપ ઈન્ડિયા 2047’ના ધ્યેયોમાં આર્થિક વૃદ્ધિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG), જીવનની સરળતા, વ્યવસાય કરવામાં સરળતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.


